Uttarkashi Tunnel Rescue : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સ્થિત ટનલમાં બચાવ કાર્ય ઝડપી થયું છે. બુધવારે સાંજે મીડિયાને આપવામાં આવેલા અપડેટ મુજબ સુરંગમાં આવેલા કાટમાળમાં ઓગર મશીનથી 45 મીટર ડ્રિલિંગ કરીને પાઈપ નાખવામાં આવી છે. ઘટના સ્થળે હાજર પીએમઓના પૂર્વ સલાહકાર ભાસ્કર ખુલ્બેએ મીડિયાને જણાવ્યું હતું કે કાટમાળમાં વધુ એક 6 મીટર લાંબી પાઇપ પુશ કરી દેવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે મને તમને એ જણાવતાં ખૂબ આનંદ થાય છે કે છેલ્લા એક કલાકમાં અમે જે કામ કરી રહ્યા હતા, અમે વધુ એક 6 મીટર લંબાઈની પાઇપ ઓગર મશીન દ્વારા પુશ કરી ચુક્યા છીએ છે. મને પુરી આશા રાખું છું કે આગામી બે કલાકમાં જ્યારે આપણે આગામી તબક્કા માટે તૈયારી કરી રહ્યા છીએ, અમે બાકીનું કામ વધુ સરળતા અને સફળતા સાથે પૂર્ણ કરવા તૈયાર રહીશું.
ટનલમાં ચાલી રહેલા ઓપરેશન વિશે માહિતી આપતા રાજ્યના સીએમ પુષ્કર સિંહ ધામીએ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે સિલ્કયારા ટનલમાં ચાલી રહેલું રેસ્ક્યૂ ઓપરેશન ઝડપથી કરવામાં આવી રહ્યું છે. હું આ અંગે અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું. તેમણે જણાવ્યું હતું કે ઓગર મશીનથી કામ ફરી શરૂ કરીને કુલ 45 મીટર સુધી ડ્રિલિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ખરીદવામાં આવેલા ઉપકરણો દ્વારા આડા અને ઊભા ડ્રિલિંગ બંને વિકલ્પો પર કામ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો – ઉત્તરકાશી ટનલ દુર્ઘટના : ટનલમાં ફસાયેલા મજૂરે પોતાના ભાઈને કહ્યું – હું સુરક્ષિત છું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એનડીઆરએફ અને એસડીઆરએફની મદદથી ફસાયેલા કામદારો સાથે ઓડિયો કમ્યુનિકેશન સેટઅપ તૈયાર કરવામાં આવ્યું છે. જે પછી એક-એક કરીને બધાની ડોકટરો સાથે વાત કરાવવામાં આવી રહી છે. કામદારોના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મનોચિકિત્સક સાથે પણ વાત કરાવવામાં આવી રહી છે. શ્રમિક બંધુઓની કુશળતા અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે.





