Uttarkashi Tunnel Rescue News : ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે એક સાથે અનેક યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. એનડીએમએના સભ્ય અને પૂર્વ સેના અધિકારી લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈને સોમવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી, બધું નિયંત્રણમાં છે. રાજધાની નવી દિલ્હીમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોના બચાવ કાર્ય વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે, ચિંતાની કોઈ વાત નથી, બધુ નિયંત્રણમાં છે.
લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈને કહ્યું કે ભોજન, પીવાનું પાણી અને દવાઓ સહિત જરૂરિયાત મુજબ વસ્તુઓ અંદર જઈ રહી છે. મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. વાતચીત માટે વધુ બેકઅપ પણ તૈયાર કરવામાં આવ્યું છે. સીએમ પુષ્કર સિંહ ધામી ત્યાં ગયા હતા. કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહ ત્યાં હાજર છે. પીએમના મુખ્ય સચિવ ડૉ.પીકે મિશ્રા, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા પણ ત્યાં ગયા છે.
પીએમના અગ્ર સચિવે બચાવ કામગીરીની સમીક્ષા કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ સોમવારે બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે બચાવ કાર્યમાં લાગેલા લોકો અને સુરંગમાં ફસાયેલા મજૂરો સાથે વાત કરી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે પાઇપમાં ફસાયેલા ઓગર મશીનના પાર્ટ્સને કાપીને બહાર કાઢનાર કામદારો ટીંકુ દુબે, અમિત, શશિકાંત, ઝારૂ રામ, રાધે રમણ દુબે, ઓમ પ્રકાશ, એનડી અહેમદ સાથે વાત કરી તેમની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો – જે કામ અમેરિકાનું ઓગર મશીન ન કરી શક્યું, ભારતીય સેના હથોડી અને છીણીથી કરશે
તેમણે સુરંગની અંદર ફસાયેલા કામદારોને મોકલવામાં આવતા ભોજન વિશે પણ જાણકારી મેળવી હતી. તેમણે SDRF દ્વારા સ્થાપિત ‘ઓડિયો કમ્યુનિકેશન સેટઅપ’ અને BSNL દ્વારા સ્થાપિત ‘ટેલિફોનિક કોમ્યુનિકેશન સિસ્ટમ’ દ્વારા સુરંગમાં ફસાયેલા ગબ્બર સિંહ અને અન્ય કામદારો સાથે વાત કરી અને તેમની સ્થિતિ જાણી હતી. તેમણે કામદારોને પોતાનું ધ્યાન રાખવા કહ્યું અને જણાવ્યું કે બચાવ કાર્યમાં બધા સખત મહેનત કરી રહ્યા છે અને ઘણા મોરચે કામ ચાલી રહ્યું છે.