COVID-19 Vaccination: દેશમાં કોરોના વેક્સિનેશન કાર્યક્રમ છેલ્લા તબક્કામાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે નિર્ણય લીધો છે કે હવે વધારે વેક્સિનની ખરીદી કરશે નહી. આ સાથે જ વેક્સીનેશનના હેતુથી મંત્રાલયને ફાળવેલા 4,237 કરોડ રૂપિયા પણ નાણાં મંત્રાલયને પરત કરવામાં આવ્યા છે.
સમાચાર એજન્સી પીટીઆઈને સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે કોરોના વેક્સિનના 1.8 કરોડથી પણ વધારે ડોઝ હાલ ઉપલબ્ધ છે. જે 6 મહિના સુધી વેકસિનેશન અભિયાન ચાલુ રાખવા માટે પૂરતા છે. મંત્રાલયનું માનવું છે કે કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડાને કારણે હવે કોરોના વેક્સિનની માંગમાં ઘટાડો થયો છે અને જો જરૂર પડે તો બજારમાં વેક્સિનનો સ્ટોક ઉપલબ્ધ હશે.
એક સત્તાવાર સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું, “કોરોનાની વેક્સિનની ખરીદી 6 મહિના પછી આ હેતુ માટે બજેટ ફાળવાશે અને એ સમયે દેશમાં કોરોનાની સ્થિતિ પર નિર્ભય કરશે”, સત્તાવાર સૂત્ર અનુસાર કહેવાયું છે કે ભારતની 98% પુખ્ત વસ્તીને કોવિડ-19 વેક્સીનનો ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે, જયારે 92% ને સંપૂર્ણપણે રસીકરણ કરવામાં આવ્યું છે. આ સિવાય 15 થી 18 વર્ષની ઉંમર માટે 3 જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ અભિયાન હેઠળ 83.7% કિશોરોને પ્રથમ ડોઝ મળી ગયો છે. જયારે 72% ને પહેલો અને બીજો બંને ડોઝ પ્રાપ્ત થયા છે.
12-14 વર્ષની ઉંમરમાં 87.3% ને પહેલો ડોઝ અપાયો છે જયારે 68.1% ને સંપૂર્ણ ડોઝ અપાઈ ગયા છે. જ્યાં 18 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વસ્તીમાંથી 27% ને પ્રીકોશન ડોઝ આપ્યા છે. ગત વર્ષે 16 જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણ અભિયાન તબક્કાવાર રીતે શરુ થયું હતું. જેમાં પહેલા ચરણમાં સ્વાસ્થ્ય કર્મીઓને રસી અપાઇ હતી, ફ્રન્ટલાઈન વર્કર્સનું રસીકરણ ગત વર્ષે 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું અને પછીના તબક્કામાં એજ વર્ષે પહેલી માર્ચે શરૂ થયું હતું. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી અપાઈ હતી.
આ પછી 1 એપ્રિલ, 2021થી 45 વર્ષથી વધુ ઉંમરના બધાજ લોકો માટે રસીકરણ શરૂ થયું હતું. 1 મેથી 18 વર્ષથી ઉપરના બધા લોકોમાં કોવિડની રસી માટેની મંજૂરી અપાઈ હતી. તેના પછી ધીમે ધીમે અન્ય ઉંમર ધરાવતા લોકો માટે પણ રસીકરણની શરૂઆત કરાઈ હતી. ફરી 10 જાન્યુઆરીથી ત્રીજો ડોઝ એટલે કે પ્રીકોશન ડોઝની શરૂઆત થઇ હતી.