Vande Bharat Train : દેશભરમાં વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવી રહી છે. 24 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદયપુર-જયપુર વંદે ભારત સ્પેશિયલ ટ્રેનને ઉદયપુરથી લીલી ઝંડી બતાવી હતી. હવે આ ટ્રેનને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાની શક્યતા છે. આ વંદે ભારત ટ્રેન જે પાટા પરથી પસાર થવાની હતી તે ટ્રેક પર કોઈએ પથ્થરો અને લોખંડના ટુકડાઓ મુક્યા હતા. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ટ્રેન સ્ટાફ નીચે ઉતરીને પથ્થરો હટાવતા અને વીડિયો બનાવતો જોવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે વંદે ભારત ટ્રેન ઉભી છે અને સ્ટાફ નીચે ઉતરીને ટ્રેક પર મુકેલા પથ્થરોને હટાવી રહ્યા છે. એક જગ્યાએ ટ્રેકમાં લોખંડ ફસાવીને રાખવામાં આવ્યું હતું. જો ટ્રેન આ ટ્રેક પરથી પસાર થઈ હોત તો અકસ્માત થવાની શક્યતા હતી. જો કે એલર્ટ ટ્રેન સ્ટાફે તે પહેલા જ ટ્રેન રોકીને આ ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધું હતું.
આ કાવતરું છે કે ટીખળ?
આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આની પાછળ કોઇ ષડયંત્ર હોઇ શકે છે, જ્યારે કેટલાક લોકો ટીખળ તરીકે પણ તેને જોઇ રહ્યા છે. કારણ કે લોકો રેલવે ટ્રેક પર રીલ બનાવવા જાય છે અને ટ્રેક પાસે પડેલા પથ્થરોને ઉપાડીને ટ્રેક પર મુકી દે છે. જ્યારે ટ્રેન તેની ઉપરથી પસાર થાય છેનત્યારે તેનો વીડિયો રેકોર્ડ કરે છે. જોકે અહીં લોખંડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જેના કારણે ષડયંત્રની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો – વંદે ભારત સ્લીપર ટ્રેનમાં 22 કોચ હશે, જાણો કેવી હશે સુવિધાઓ
જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી તેની ફરિયાદ કરવામાં આવી તો રેલવે પોલીસે પણ કાર્યવાહીની વાત કરી છે. જોકે આ મામલે ભારતીય રેલવે તરફથી હજુ સુધી કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી. આ મામલે ભીલવાડા આરપીએફ ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની માહિતી મળી છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયાઓ
આ વીડિયો શેર કરીને લોકો મોટા ષડયંત્રની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને ટીખળ ગણાવી રહ્યા છે. એક એક્સ યુઝરે લખ્યું કે કેવી નફરત છે આ, કેવી રાજનીતિ, કેવો જેહાદ? એક પાર્ટીથી એટલી નફરત કે હવે આ પ્રકારનું ખૂની ષડયંત્ર? એક વ્યક્તિએ લખ્યું કે ખબર પડવી જોઈએ કે દેશનો દુશ્મન કોણ છે? એક લખ્યું કે તેને રાજકીય રંગ ન આપવો જોઈએ, જેણે પણ આ કર્યું છે તે દેશનો દુશ્મન છે. તેને મોતની સજા થવી જોઈએ.