IMD Weather Forecast: ઉત્તર ભારત સહિત ગુજરાતમાં કેટલાક જિલ્લામાં લોકોએ ફેબ્રુઆરી મહિનામાં જ દિવસ દરમિયાન સામાન્ય કરતાં વધુ ગરમી અનુભવવાનું શરૂ કર્યું છે. તો, લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા વધુ નોંધાઈ રહ્યું છે. રાજધાની દિલ્હી સોમવારે 17 વર્ષ પછી ફેબ્રુઆરીમાં 33 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. તો ગુજરાતના પણ અનેક શહેરમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું હતુ. અગાઉ વર્ષ 2006માં આ પ્રકારની ગરમી નોંધાઈ હતી. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ સતત વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં તાપમાન વધવાથી દિલ્હી સહિત ગુજરાતમાં પણ ગરમી વધતી રહેશે. મંગળવારે મહત્તમ તાપમાન 33 અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતમાં વધેલી ગરમી પર બ્રેક લાગશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. હવામાન અંગે માહિતી આપતી ખાનગી એજન્સીઓના જણાવ્યા અનુસાર મંગળવારે તાપમાન નવો રેકોર્ડ બનાવી શકે છે. જો કે આ પછી વધતા તાપમાન પર વિરામની આગાહી કરવામાં આવી છે, પરંતુ તાપમાનમાં ઘટાડો થવાની કોઈ આશા નથી. હવામાન નિષ્ણાતોના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરી પહાડો તરફ આગળ વધી રહ્યું છે. હવામાન પ્રવૃત્તિ પર્વતીય રાજ્યો અને પંજાબ, હરિયાણાના કેટલાક ઉત્તરીય ભાગો સુધી મર્યાદિત છે. દિલ્હીની આસપાસ પવનની પેટર્નમાં પલટો અને તેની ઝડપમાં ઘટાડો થવાને કારણે આ ગરમીનું મોજું વધી રહ્યું છે.
હવામાનની આગાહી કેટલી સચોટ હોય છે
આવો, જાણીએ કે હવામાન વિભાગની આગાહી કેવી રીતે કરવામાં આવે છે. આ સિવાય હવામાન વિભાગની આગાહી કેમ સંપૂર્ણ રીતે સાચી નથી પડતી. આ સવાલો પર, Jansatta.comના એડિટર વિજય ઝાએ હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ (ડીજી) ડૉ. મૃત્યુંજય મહાપાત્રા સાથે વાત કરી છે.
ડૉ.મહાપાત્રાએ જણાવ્યું હતું કે, 2018 થી 2022 સુધીના પાંચ વર્ષમાં હવામાન વિભાગ છેલ્લા પાંચ વર્ષ 2013-17ની સરખામણીએ લગભગ 40 ટકા વધુ સચોટ આગાહી કરવામાં ટેકનિકલી સક્ષમ છે. તેમણે કહ્યું કે, ચક્રવાત, ગરમીનું મોજું, તોફાન અને ભારે વરસાદના કિસ્સામાં હવામાનની આગાહીની સચોટતામાં સુધારો થયો છે.
આ પણ વાંચો – Gujarat Heat Wave : ગુજરાતમાં ગરમીએ ફેબ્રુઆરીમાં જ લગભગ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો, તાપમાન 40 ડિગ્રી પહોંચ્યું
હવામાનની આગાહી કેવી રીતે કરવામાં આવે છે?
ડો. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, હવામાનની આગાહી માટે તાપમાન, દબાણ, ભેજ અને પવનની ગતિના ડેટાને લગતી માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ માટે, જૂની અને નવી બંને તકનીકોના પરિણામોની તુલના પણ કરવામાં આવે છે. હવામાનની આગાહી માટે પણ સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. આ સિવાય ડોપ્લર રડારનો ઉપયોગ હવામાનની આગાહીમાં પણ થાય છે. હવામાનશાસ્ત્રીઓએ ડોપ્લર રડાર દ્વારા ટોર્નેડો અને વાવાઝોડા જેવા તોફાનો વિશે સારી રીતે માહિતી મેળવી છે. તો, વર્તમાન યુગમાં, કમ્પ્યુટર આધારિત વાતાવરણના આંકડા હવામાન આગાહી મોડેલો દ્વારા પણ પ્રાપ્ત થાય છે.