January Cold wave: દેશની રાજધાની દિલ્હી સહિત આખા ઉત્તર ભારતમાં સખત ઠંડી પડી રહી છે. રવિવાર અને સોમવારે આખો દિવસ ઉત્તર ભારતમાં ધુમ્મસ જોવા મળ્યું હતું. ધુમ્મસના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. રેલગાડીઓ લેટ થઇ હતી અને રદ પણ કરવી પડી હતી. ખરાબ વિઝિબિલિટીના કારણે ઘણી ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઘણા વિસ્તારોમાં તાપમાન 1.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. મોસમ વિભાગના મતે સતત ચોથો એવો દિવસ છે જ્યારે દિલ્હીમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અધિકતર સ્થાનોથી ઓછું તાપમાન રહ્યું છે.
1951 પછી અત્યાર સુધીની સૌથી વધારે ઠંડી જાન્યુઆરીમાં
જાન્યુઆરીનો મહિનો ચાલી રહ્યો છે અને ઠંડી કહેર મચાવી રહી છે. આ વખતે જાન્યુઆરીમાં ઠંડીનો રેકોર્ડ તૂટી ગયો છે. આ પહેલા વર્ષ 2003માં જાન્યુઆરીનું એવરેજ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ સુધી રહ્યું હતું. જ્યારે આ વર્ષે એવરેજ તાપમાન 17.6 ડિગ્રી સેલ્સિયસ છે. આ વર્ષે જાન્યુઆરી મહિનો 1951થી લઇને અત્યાર સુધીનો સૌથી ઠંડી વાળો છે. 2015માં પણ જાન્યુઆરીનું અધિતકમ તાપમાન 18 ડિગ્રી રહ્યું હતું.
દિલ્હીમાં હિમાચલ અને ઉત્તરાખંડથી ઓછું રહ્યું તાપમાન – IMD
આ વર્ષે પડી રહેલી ઠંડીની પેટર્ન અન્ય વર્ષની સરખામણીમાં અલગ જોવા મળી રહી છે. આઈએમડીએ જણાવ્યું કે દિલ્હી અને આસપાસના વિસ્તારમાં સતત ચોથો દિવસ એવો રહ્યો છે કે જ્યારે તાપમાન હિમાચલ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોથી ઓછું રહ્યું છે. અત્યાર સુધી આવી ઠંડી જોવા મળી નથી કે પહાડી અને બરફ વર્ષા વાળા વિસ્તારોથી પણ વધારે ઠંડી દિલ્હી અને ઉત્તર ભારતમાં પડી હોય.
આ પણ વાંચો – હાડથીજવતી ઠંડીથી બેહાલ ઉત્તર ભારત, ગુજરાતમાં કેવી છે ઠંડી, અનેક રાજ્યોમાં વરસાદની આગાહી
હિમાચલના ચંબામાં 8.2 ડિગ્રી, ડલહૌજીમાં 8.2 ડિગ્રી, ધર્મશાલામાં 6.2 ડિગ્રી, શિમલામાં 9.5 ડિગ્રી, દેહરાદૂનમાં 6 ડિગ્રી, મસૂરીમાં 9.6 ડિગ્રી, નૈનીતાલમાં 6.2 ડિગ્રી, ટિહરીમાં 7.6 ડિગ્રી, મનાલીમાં 4.4 ડિગ્રી અને સોલનમાં 3.6 ડિગ્રી નોંધાઇ છે. જેની સરખામણીમાં દિલ્હીમાં વધારે ઠંડી પડી રહી છે.
72 વર્ષોમાં સૌથી કોલ્ડ જાન્યુઆરી
રવિવારે સવારે દિલ્હી અને આસપાસના વિસ્તારમાં શીતલહેર જોવા મળી હતી. સફદરજંગના આસપાસના વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન 1.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લોધી રોડ પર તાપમાન 2.8 ડિગ્રી, રિજ અને જાફરપુરમાં અનુક્રમે 2.2 અને 2.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 72 વર્ષોમાં જાન્યુઆરી મહિનો સૌથી ઠંડો રહ્યો છે.