ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે પણ આ બધા વચ્ચે સૌથી આશ્ચર્યની વાત એે છે કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોની તુલનામાં દિલ્હીમાં તાપમાન સતત ઘટી રહ્યુ છે, જેણે સૌને આચંબામાં મૂકી દીધા છે. શનિવારે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું અને રાજધાનીના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીના પ્રાથમિક હવામાન કેન્દ્ર સફદરજંગ વેધશાળામાં લઘુત્તમ તાપમાન 2.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના મોટાભાગના સ્થળો અને જમ્મુ અને કાશ્મીરના કેટલાક પ્રવાસન સ્થળો કરતાં પણ ઓછું તાપમાન છે. ઠંડા હિમગાર પવનોને કારણે મધ્ય દિલ્હીના રિજ વેધર સ્ટેશન પર લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું. સતત વધી રહેલી ઠંડીને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
લોધી રોડ અને આયાનગરમાં લઘુત્તમ તાપમાન અનુક્રમે 2 ડિગ્રી અને 3.4 ડિગ્રી
રાજસ્થાનમાં વનસ્થલીમાં 1.7 ડિગ્રી, સીકરમાં 1 ડિગ્રી, પિલાનીમા 0.6 ડિગ્રી સેલ્સિયસ સહિત રાજ્યના ઘણા સ્થળો બહું જ નીચું લઘુત્તમ તાપમાન નોંધાયું છે. દિલ્હીના લોધી રોડ અને આયાનગર વેધર સ્ટેશન પર અનુક્રમે બે ડિગ્રી સેલ્સિયસ અને 3.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ધુમ્મસની ગાઢ ચાદર ઉત્તરપશ્ચિમ ભારત અને દેશના મધ્ય અને પૂર્વ ભાગોમાં છવાયેલી રહી હતી, જેના પરિણામે રોડ-રેલ અને હવાઈ પરિવહન ગંભીર રીતે પ્રભાવિત થઇ રહ્યું છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક પાલમ ઓબ્ઝર્વેટરીમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટીને 25 મીટર થઈ ગઈ હતી.
ધુમ્મસને કારણે 36 ટ્રેનો એકથી 7 કલાક મોડી
ગાઢ ધુમ્મસને કારણે રોડ-રેલ અને એરલાઇન્સની ઉડાન કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. ઉત્તર રેલવેના પ્રવક્તાએ જણાવ્યું કે, ગાઢ ધુમ્મસને કારણે 36 ટ્રેનો એક કલાકથી સાત કલાક મોડી ચાલી રહી છે. હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, ‘જ્યારે અત્યંત ગાઢ ધુમ્મસ છવાઇ જાય છે ત્યારે વિઝિબિલિટી ઘટીને શૂન્યથી 50 મીટર જેટલી થઇ જાય છે.

જનજીવન પ્રભાવિત
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના મુખ્ય હિલસ્ટેશનો જેવા કે – ચંબામાં લઘુત્તમ તાપમાન 5.8 ડિગ્રી, ડેલહાઉસીમાં 8.3 ડિગ્રી, ધર્મશાલામાં 9.2 ડિગ્રી, શિમલામાં 7.8 ડિગ્રી, હમીરપુરમાં 3.9 ડિગ્રી, મનાલીમાં 4 ડિગ્રી કરતાં પણ ઓછું નોંધાયુ હતુ. તો કાંગડામાં 5.6 ડિગ્રી, સોલનમાં 3 ડિગ્રી, દેહરાદૂનમાં 6 ડિગ્રી, મસૂરીમાં 8.1 ડિગ્રી અને નૈનીતાલમાં 5.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ.
હવામાન વિભાગની સલાહ – વિટામિન-સી વાળા ફળો અને શાકભાજીનું સેવન કરો
રાજધાનીમાં ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં સાત ડિગ્રી નીચું હતું, જેના કારણે શનિવારનો દિવસ હિમ દિવસ જેવો બની ગયો હતો. હવામાન વિભાગે એક એડવાઈઝરી જારી કરીને લોકોને વિટામિન-સી થી ભરપૂર ફળો અને શાકભાજી ખાવા અને પુરતી સુરક્ષા જાળવી રાખવા માટે મોટા પ્રમાણમાં ગરમ પ્રવાહી પદાર્થનું સેવન કરવાની સલાહ આપી છે. આવશ્યક કામકાજ સિવાય ઘરની બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે દિલ્હી સહિત ઉત્તર ભારતના ભાગો માટે રવિવાર માટે ‘ઓરેન્જ એલર્ટ’ આપતા જણાવ્યુ છે કે ગાઢ ધુમ્મસ, ઠંડી અને કોલ્ડ વેવની સ્થિતિ ચાલુ રહેશે.