Uniform Civil Code : 2024ની લોકસભા ચૂંટણી પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાન નાગરિક સંહિતા પર આપેલા નિવેદનથી રાજકીય હલચલ વધી ગઈ છે. આર્ટિકલ 370ની સાથે રામ મંદિર અને સમાન નાગરિક સંહિતા લાંબા સમયથી ભાજપના ચૂંટણી એજન્ડાનો ભાગ રહ્યા છે અને તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના હૃદયની પણ નજીક છે. ભાજપે પોતાના બે મોટા ચૂંટણી વચનો રામ મંદિર અને આર્ટિકલ 370ને પૂરા કર્યા છે અને હવે પીએમના નિવેદનથી મળેલા સંકેતો મુજબ પાર્ટી યૂનિફોર્મ સિવિલ કોડ પર આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા UCC નો ટેસ્ટ
2024ની લોકસભા ચૂંટણી પહેલા જ ત્રણ મોટા અને મહત્વના રાજ્યો- રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેમાંથી 2 રાજ્યોમાં કોંગ્રેસનું શાસન છે. હાલમાં જ કર્ણાટકમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે પીએમે માત્ર યૂનિફોર્મ સિવિલ કોડની ચર્ચા જ શરૂ નથી કરી, પરંતુ લોકસભા ચૂંટણીમાં અને વિધાનસભાની ચૂંટણીમાં એક રીતે તેની ચકાસણી કરવા માંગે છે.
ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર જી-20ની બેઠક સપ્ટેમ્બર સુધી યોજાવાની છે. તેથી સરકાર નથી ઇચ્છતી કે મીટિંગ દરમિયાન આ મુદ્દે કોઇ હંગામો થાય. પરંતુ આ પછી પાર્ટી આ મુદ્દે આક્રમક રીતે આગળ વધવાની તૈયારી કરી રહી છે.
ત્યાં સુધીમાં લોકોનો અભિપ્રાય પણ આવી જશે
પીએમ મોદીના આ નિવેદન પહેલા જ લો કમિશને યૂનિફોર્મ સિવિલ કોડ (યૂસીસી) પર સામાન્ય લોકોનો અભિપ્રાય માંગ્યો છે. કાયદા પંચે 14 જૂનના રોજ એક પબ્લિક નોટિસ જારી કરી હતી. જેમાં કાયદા મંત્રાલયના 17 જૂન 2016ના પત્રનો હવાલો આપીને કહ્યું કે તે યૂનિફોર્મ સિવિલ કોડ પર બધા પક્ષોના મંતવ્યો જાણવા માંગે છે. રસ ધરાવતા લોકો 30 દિવસની અંદર એટલે કે 14 જુલાઈ સુધી પંચ સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરી શકે છે.
આ પણ વાંચો – ‘વિભાજનકારી રાજકારણ’: વિપક્ષોએ PM મોદી પર તેમના સમાન નાગરિક સંહિતાના દબાણ માટે પ્રહારો કર્યા
સંસદમાં ભાજપને રોકવો મુશ્કેલ
જો ભાજપ સમાન નાગરિક સંહિતાના મુદ્દે આગળ વધવા માંગે છે તો 2024ની ચૂંટણી પહેલા શિયાળુ સત્ર છેલ્લી તક હશે. આની આસપાસ વિધાનસભાની ચૂંટણી પણ યોજાવા જઇ રહી છે. નવીન પટનાયકના નેતૃત્વવાળી બીજુ જનતા દળ (બીજેડી) પહેલાથી જ સમાન નાગરિક સંહિતાના મુદ્દે ભાજપને સકારાત્મક સંદેશ આપી ચૂક્યું છે અને સંસદમાં તેના પર કાર્યવાહી શરૂ કરવાની વાત કહી છે. આ સ્થિતિમાં જો ભારતીય જનતા પાર્ટી સમાન નાગરિક સંહિતાના મુદ્દે સંસદમાં બિલ લાવશે તો કોઇ ખાસ મુશ્કેલી નહીં આવે. બીજેડીની મદદથી બિલ પાસ કરવા માટે જરૂરી સંખ્યાબળ મળી જશે.
રાજ્યોમાં ઝડપી તૈયારી
ગોવા, ગુજરાત, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ જેવી ભાજપની આગેવાની હેઠળની અનેક રાજ્ય સરકારોએ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની તૈયારી કરી લીધી છે. ઉત્તરાખંડ સરકારે એક એક્સપર્ટ કમિટી પણ બનાવી છે. જે હાલમાં જ કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા કરવા માટે દિલ્હી પહોંચી હતી.
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતાવાળી આ કમિટીનું કહેવું છે કે, લિંગ સમાનતા, મહિલાઓના લગ્ન માટે ફરજિયાત 21 વર્ષની ઉંમર, મહિલાઓ માટે સંપત્તિમાં સમાન દરજ્જો, એલજીબીટીક્યુને કાયદાકીય અધિકારો અને વસ્તી નિયંત્રણ તેની પ્રાથમિકતાઓમાં સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રંજના દેસાઈની કમિટી યુનિફોર્મ સિવિલ કોડ પર જે મોડલ તૈયાર કરવા જઈ રહી છે તેનો રાષ્ટ્રીય સ્તરે પણ અમલ થઈ શકે છે.