Women Reservation Bill : નવા સંસદ ભવનમાં આજે પ્રથમ સત્ર પૂર્ણ થયું છે અને કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઐતિહાસિક ક્ષણોમાં કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે મહિલા અનામત બિલ રજૂ કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે સોમવારે આ બિલને મંજૂરી આપી હતી. સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓને 33% ક્વોટા આપવાની જોગવાઈ છે. ઈન્ડિયન એક્સપ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાયદો 2024 ની લોકસભા ચૂંટણીમાં લાગુ નહીં થઈ શકે. કારણ કે સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ તેનો અમલ કરવામાં આવશે અને 2029 ની સામાન્ય ચૂંટણીમાં આવું થઈ શકે છે. હાલમાં, લોકસભાની કુલ 543 બેઠકોમાંથી, 82 ચૂંટાયેલા મહિલા સાંસદો છે જે કુલ સાંસદોની સંખ્યાના 14.36% છે.
આ લેખમાં આપણે જાણીશું કે વિશ્વના 10 લોકશાહી દેશોની સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ શું છે. આ ડેટા ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU)માંથી લેવામાં આવ્યો છે.
| દેશ | કુલ બેઠકો | મહિલા બેઠક | ટકા |
| અમેરિકા | 435 | 125 | 28.7 |
| બ્રિટન | 649 | 224 | 34.5 |
| દક્ષિણ આફ્રિકા | 398 | 184 | 46.2 |
| દક્ષિણ કોરિયા | 299 | 57 | 19.1 |
| જાપાન | 462 | 46 | 10 |
| જર્મની | 736 | 258 | 35.1 |
| ફ્રાન્સ | 577 | 218 | 37.8 |
| કેનેડા | 336 | 103 | 30.7 |
| બ્રાઝીલ | 513 | 90 | 17.5 |
| ઓસ્ટ્રેલિયા | 151 | 58 | 38.4 |
આ બિલ લાગુ કરવાની માંગ ઘણી જૂની છે
મહિલા અનામત બિલની માંગ છેલ્લા 27 વર્ષથી ચાલી રહી છે. આ બિલ લાગુ થયા બાદ સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા સીટો અનામત રહેશે. આ બિલ અનુસાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોમાંથી એક તૃતીયાંશ બેઠકો SC-ST સમુદાયમાંથી આવતી મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.
આ અનામત બેઠકો રોટેશન સિસ્ટમ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ પ્રદેશોમાં ફાળવી શકાય છે. મહિલા અનામત વિધેયક અનુસાર મહિલાઓ માટે સીટોનું આરક્ષણ માત્ર 15 વર્ષ માટે રહેશે.
આ પણ વાંચો – Women Reservation Bill | મહિલા અનામત બિલઃ લોકસભામાં નારી શક્તિ વંદન એક્ટ રજૂ, કેટલી બેઠકો મહિલાઓ માટે રહેશે અનામત
આ બિલમાં દરખાસ્ત છે કે, લોકસભાની દરેક ચૂંટણી પછી અનામત બેઠકો ફેરવવી જોઈએ. રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં વિવિધ મતવિસ્તારોમાં રોટેશન દ્વારા અનામત બેઠકો ફાળવવામાં આવી શકે છે.





