Women Reservation Bill : નવી સંસદના પહેલા જ દિવસે ઐતિહાસિક મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર વતી આ બિલને નારી શક્તિ વંદન એક્ટ નામ આપવામાં આવ્યું છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં નારી શક્તિ વંદન એક્ટ રજૂ કર્યો હતો. આ બિલ કાયદો બન્યા બાદ લોકસભા અને દેશની અન્ય વિધાનસભાઓમાં દર ત્રીજી સાંસદ એક મહિલા હશે.
નારી શક્તિ વંદન કાયદાના મહત્વના મુદ્દા
- આ બિલ લોકસભા અને દેશની તમામ વિધાનસભાઓમાં રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ અનુસાર 33 ટકા સીટો મહિલાઓ માટે આરક્ષિત હશે. આ બિલ પાસ થયા બાદ લોકસભામાં મહિલાઓ માટે 181 સીટો અનામત રહેશે. હાલમાં લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા માત્ર 82 છે.
- નારી શક્તિ વંદન એક્ટ મુજબ દિલ્હી વિધાનસભામાં પણ મહિલાઓને 33 ટકા અનામત આપવામાં આવશે. આ હિસાબે દિલ્હીમાં મહિલાઓ માટે 23 સીટો અનામત રાખવામાં આવશે.
- આ બિલ અનુસાર SC-ST મહિલાઓને ક્વોટા આપવામાં આવશે. હાલમાં દેશમાં અનામત બેઠકોની સંખ્યા 84 (SC) અને 47 (ST) છે. આ મુજબ એસસી સમુદાયની અનામત બેઠકોમાંથી 28 બેઠકો મહિલાઓ માટે જ્યારે એસટી સમુદાયની અનામત બેઠકોમાંથી 16 મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.
- મહિલા અનામત બિલ 15 વર્ષ માટે રહેશે. આ પછી સરકારે મહિલાઓને અનામત આપવા માટે ફરીથી બિલ લાવવું પડશે.
સરકાર નારી શક્તિ વંદન બિલ પસાર કરવા મક્કમ છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સંસદમાં પ્રથમ દિવસે કહ્યું હતું કે, તેમની સરકાર “નારીશક્તિ વંદન બિલ” ને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા અનામત માટેનો કાયદો બનાવવા માટે કટિબદ્ધ છે. નવા સંસદ ભવનમાં કાર્યવાહીના પ્રથમ દિવસે લોકસભામાં આપેલા તેમના નિવેદનમાં, તેમણે એમ પણ કહ્યું હતું કે, મહિલા આરક્ષણ બિલ સંસદમાં અગાઉ પણ ઘણી વખત રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ “મહિલા સશક્તિકરણ, તેમની શક્તિનો ઉપયોગ કરવાના આ કાર્ય માટે, ઈશ્વરે મને આવા અનેક પવિત્ર કાર્યો માટે પસંદ કર્યો છે.
PM નરેન્દ્ર મોદીએ કહ્યું, “નારી શક્તિ વંદન કાયદા દ્વારા આપણું લોકતંત્ર વધુ મજબૂત બનશે. હું નારી શક્તિ વંદન કાયદા માટે દેશની માતાઓ, બહેનો અને પુત્રીઓને અભિનંદન આપું છું. હું તેમને ખાતરી આપું છું કે, અમે “બિલને કાયદો બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”





