World richest beggar Bharat jain net worth :ભિખારીનું નામ સાંભળતા જ આપણના મનમાં ઘર વગરના, ગંદા કપડા પહેરેલા રોડ-રસ્તા પર પૈસા માંગતા વ્યક્તિઓનું ચિત્ર ઉપસી આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનો સૌથી અમીર ભિખારી કોણ છે? તે ક્યાં રહે છે? તેની કુલ સંપત્તિ શું છે? આજે અમે તમને દુનિયાના સૌથી અમીર ભિખારી ભરત જૈન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
મુંબઈમાં રહે છે દુનિયાનો સૌથી અમીર ભિખારી
દુનિયાના સૌથી અમીર ભિખારીનું નામ ભરત જૈન છે. ભરત જૈન મુંબઈની ઘણી શેરીઓમાં ભીખ માંગે છે. મળતી માહિતી મુજબ, તે ગરીબીને કારણે ભણી શક્યો ન હતો, ત્યારબાદ તેણે મુંબઈમાં ભીખ માંગવાનું શરૂ કર્યું હતું. વિશ્વનો સૌથી ધનિક ભિખારી ભરત જૈન પરિણીત છે અને તેના પરિવારમાં તેની પત્ની, બે બાળકો, એક ભાઈ અને તેના પિતા છે. બંને બાળકીઓનું શિક્ષણ પૂર્ણ થઈ ગયું છે.
ભરત જૈન પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાનો સૌથી અમીર ભિખારી ભરત જૈન મુંબઈમાં રહે છે અને તેમની કુલ સંપત્તિ અધધધ… 7.5 કરોડ રૂપિયા (10 લાખ ડોલર) હોવાનું કહેવાય છે. તે ભીખ માંગીને દર મહિને 60,000-75,000 રૂપિયા કમાય છે અને મુંબઈમાં તેની પાસે 1.2 કરોડ રૂપિયાનો બે બેડરૂમનો ફ્લેટ છે. એટલું જ નહીં મુંબઈને અડીને આવેલા થાણેમાં બે દુકાનો છે, જ્યાંથી તે 30,000 રૂપિયા કમાય છે. છત્રપતિ શિવાજી ટર્મિનસ અને આઝાદ મેદાન વિસ્તારમાં ભરત જૈન ભીખ માંગે છે.
એક તરફ મુંબઈમાં લોકો 12-14 કલાક કામ કરી મહિને 8-10 હજાર રૂપિયા કમાય છે જ્યારે ભરત જૈન માત્ર ભીખ માંગીને એક જ દિવસમાં બેથી અઢી હજાર રૂપિયા કમાય લે છે. ભરત જૈનનો પરિવાર આજે સમૃદ્ધ છે પરંતુ તેમ છતાં તે ભીખ માંગે છે.
એવું કહેવાય છે કે, હવે સંબંધીઓ તેને ભીખ માંગવાથી રોકે છે પરંતુ તે માનતો નથી. એટલું જ નહીં, ભરત જૈનની સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. આ પછી પણ લોકો તેને ઓળખતા નથી. આ જ કારણ છે કે તેમની સ્થિતિ અને સ્વભાવ જોઈને લોકો આજે પણ તેમને ભીખ આપે છે.