world second largest Hindu temple : ભારત બહાર વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર સ્વામિનારાયણ અક્ષરધામનું ઉદ્ઘાટન 8 ઓક્ટોબર, 2023 રવિવારના રોજ અમેરિકાના ન્યૂજર્સીમાં કરવામાં આવ્યું હતું. આ મંદિર ન્યૂજર્સીની રોબિન્સવિલે ટાઉનશિપમાં બનાવવામાં આવ્યું છે, જે ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરથી લગભગ 90 કિમી દક્ષિણે અને વોશિંગ્ટન ડીસીથી લગભગ 289 કિમી ઉત્તરમાં છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વિશ્વવ્યાપી ધાર્મિક અને નાગરિક સંસ્થા બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) દ્વારા બાંધવામાં આવેલા અનેક મંદિરો પૈકીનું એક છે. તે 18 ઓક્ટોબરથી ભક્તો માટે ખોલવામાં આવશે.
183 એકરમાં ફેલાયેલું છે આ મંદિર
191 ફૂટ લાંબુ, 345 ફૂટ પહોળું, 191 ફૂટ ઊંચું અને 183 એકરમાં ફેલાયેલા આ મંદિરના નિર્માણ માટે અમેરિકાના 12,500થી વધુ સ્વયંસેવકોએ દિવસ-રાત મહેનત કરી છે. મુખ્ય મંદિર ઉપરાંત તેમાં 12 પેટામંદિરો આવેલા છે. અહીં નવ શિખરો (શિખરો જેવાં માળખાં) અને નવ પિરામિડનુમા શિખરો છે. આટલું વિશાળ અને ભવ્ય મંદિર બનાવવામાં લગભગ 12 વર્ષ લાગ્યાં છે. તેમાં 10,000 થી વધુ મૂર્તિઓ અને જટિલ કોતરણીઓનો ઉલ્લેખનીય સંગ્રહ છે, જેમાં ભારતીય સંગીતનાં સાધનો અને નૃત્ય રૂપોને દર્શાવે છે. કંબોડિયાના આઇકોનિક અંગકોરવાટ પછી તે આધુનિક યુગના હિન્દુ મંદિરોમાં સંભવત: બીજા ક્રમનું સૌથી મોટું મંદિર છે. આ મંદિરમાં ‘બ્રહ્મ કુંડ’ નામથી પરંપરાગત ભારતીય વાવડી આવેલી છે, જેમાં વિશ્વભરના 300થી વધુ જળાશયોનું પાણી છે.
વિશ્વના વિવિધ ભાગોમાંથી લાવવામાં આવ્યા પત્થરો
આ મંદિરના નિર્માણમાં લાગેલા ચૂનાના પત્થર, ગ્રેનાઇટ, ગુલાબી રેતીના પત્થર અને આરસપહાણ સહિત લગભગ 20 લાખ ઘનફૂટ પથ્થરો ભારત, તુર્કી, ગ્રીસ, ઇટાલી અને ચીન સહિત વિશ્વના વિવિધ ભાગોમાંથી લાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો – મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષે કહ્યું – ભાજપના કાર્યકરો ઇચ્છે છે કે દેવેન્દ્ર ફડણવીસ સીએમ બને
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અક્ષરવત્સલદાસ સ્વામીએ પીટીઆઈને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કેમઅમારા આધ્યાત્મિક નેતા (પ્રમુખ સ્વામી મહારાજ)નો વિચાર હતો કે પશ્ચિમ ગોળાર્ધમાં એક એવું સ્થાન હોવું જોઈએ જે માત્ર હિન્દુઓ માટે જ નહીં, માત્ર ભારતીયો માટે અથવા માત્ર થોડા લોકોના જૂથો માટે જ નહીં પરંતુ વિશ્વના તમામ લોકો માટે હોય. જ્યાં લોકો આવી શકે અને હિન્દુ પરંપરાના કેટલાક મૂલ્યો, સાર્વભૌમિક મૂલ્યો શીખી શકે. ”
આ સપ્તાહે દેશભરના લોકોએ મંદિર સંકુલની મુલાકાત લઈ તેને નિહાળીને સંતો-મહંતોને મળીને આશીર્વાદ મેળવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક અને પશ્ચિમ ભારતના નૈતિક અને આધ્યાત્મિક નવજાગૃતિના પ્રણેતા મહાન સંતની પૂજાવિધિમાં લોકોએ ભાગ લીધો હતો.





