Haryana : હરિયાણામાં ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ભાજપની નાયબ સિંહ સૈની સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું છે. અપક્ષ ધારાસભ્યોએ ભાજપ સાથે સંબંધ તોડ્યા બાદ રાજ્યની ભાજપ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે આ ધારાસભ્યોએ કોંગ્રેસને સમર્થન આપ્યું છે.
કોણે ટેકો પાછો ખેંચ્યો?
હરિયાણામાં ભાજપ સરકારને ટેકો પાછો ખેંચનારા ત્રણ અપક્ષ ધારાસભ્યોમાં ચરખી દાદરીના સોમવીર સાંગવાન, નીલોખેડીથી ધર્મપાલ ગોંદર અને પુંડેરીથી રણધીર ગોલનનો સમાવેશ થાય છે. પૂર્વ સીએમ અને હરિયાણા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપિંદર સિંહ હુડ્ડાની હાજરીમાં ત્રણેય ધારાસભ્યોએ રોહતકમાં સમર્થનની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ શું કહ્યું?
ત્રણ અપક્ષ ધારાસભ્યોના સરકાર છોડવાના સવાલ પર મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું કે મને તેના વિશે માહિતી મળી છે. બની શકે કે હવે કોંગ્રેસ કેટલાક લોકોની ઈચ્છાઓ પૂરી કરવામાં લાગી ગઈ છે. જનતાની ઈચ્છા સાથે કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : પીએમ મોદીએ કહ્યું – તમારે નક્કી કરવાનું છે કે દેશ વોટ જેહાદથી ચાલશે કે રામ રાજ્યથી
હરિયાણા વિધાનસભાની સ્થિતિ હવે શું છે?
90 સભ્યોની હરિયાણા વિધાનસભામાં હાલ 88 ધારાસભ્યો છે. પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરે વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે. તેમના સિવાય હિસારથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા રણજિત ચૌટાલાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્યમાં હાલ ભાજપ પાસે 40 ધારાસભ્યો છે. ભાજપને હાલમાં હરિયાણામાં બે અપક્ષ અને એક હરિયાણા લોકહિત પાર્ટીના ધારાસભ્ય ગોપાલ કાંડાનું સમર્થન છે. રાજ્યમાં વિપક્ષના કુલ ધારાસભ્યોની સંખ્યા 45 છે, જેમાં કોંગ્રેસના 30 અને જેજેપીના 10 ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
શું કોંગ્રેસ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે?
માર્ચ 2024માં કોંગ્રેસ પાર્ટી બજેટ સત્ર દરમિયાન અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી. આ કારણે તે ફરી અવિશ્વાસની દરખાસ્ત લાવી શકે તેમ નથી. બે અવિશ્વાસની દરખાસ્તો વચ્ચે છ મહિનાનો સમય હોવો જોઈએ. આ કારણે કોંગ્રેસ પાર્ટી સપ્ટેમ્બર પહેલા નાયબ સિંહ સૈની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે નહીં. હરિયાણામાં ઓક્ટોબર અને નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી સંભાવના છે.





