Actress Laila Khan and Family Murder Case : અભિનેત્રી લૈલા ખાન અને તેના પરિવારની હત્યાના કેસમાં મુંબઈની સેશન્સ કોર્ટે સજા સંભળાવી છે. કોર્ટે દોષિત સાવકા પિતા પરવેઝ ટાકને ફાંસીની સજા સંભળાવી છે. લૈલા ખાનની હત્યાનો મામલો લગભગ 14 વર્ષ જૂનો છે. ગુનેગાર પરવેઝે લૈલા, તેની માતા અને ચાર ભાઈ-બહેનોની હત્યા કરી હતી. આ પછી તેના મૃતદેહને ફાર્મ હાઉસમાં દફનાવવી દેવામાં આવ્યા હતા. પોલીસે પરવેઝની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. જે બાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
અગાઉ અપહરણનો ગુનો નોંધાયો હતો
લૈલાના પિતા નાદિર પટેલે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તેણે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, પરવેઝ અને તેના સહયોગી આસિફ શેખે લૈલા અને તેના સમગ્ર પરિવારનું અપહરણ કર્યું હતું. આ પછી પોલીસે તપાસ શરૂ કરી અને પછી લાશ મળી આવી.
પોલીસના જણાવ્યા અનુસાર, પરવેઝ ટાક લૈલા ખાનનો સાવકો પિતા છે. તે લૈલાની માતા શેલિનાનો ત્રીજો પતિ છે. પોલીસે દાવો કર્યો હતો કે, ઇગતપુરી બંગલામાં મિલકત અંગેના વિવાદ બાદ પરવેઝ ટાકે પહેલા શેલીનાની હત્યા કરી હતી અને પછી લૈલા ખાન, તેની મોટી બહેન અમીના, જોડિયા ભાઈઓ ઝારા અને ઈમરાન અને પિતરાઈ રેશ્માની હત્યા કરી હતી કારણ કે, તેમણે તેને ગુનો કરતા જોયા હતા. પોલીસે એમ પણ કહ્યું હતું કે, દોષિત પરવેઝ ટાકે જ પોલીસને મૃતકના અવશેષો સુધી પહોંચાડ્યા હતા, જેને તેણે ફાર્મહાઉસમાં ખાડામાં દાટી દીધા હતા.
ટ્રાયલ દરમિયાન, શેલિનાના બે પૂર્વ પતિઓ સહિત 40 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. પરવેઝ ટાકે દાવો કર્યો હતો કે, તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો અને મૃતકના હાડપિંજરના અવશેષોની પુનઃપ્રાપ્તિ અંગેના વિવાદ સહિત પોલીસ તપાસમાં ઘણી ભૂલો હતી.
મહિનાઓ સુધી તપાસ ચાલુ રહી
લૈલા ખાનના ગુમ થવાની તપાસ મહિનાઓ સુધી અલગ-અલગ એંગલથી ચાલુ રહી. પોલીસે નાશિક નજીક ઇગતપુરીમાં એક ફાર્મહાઉસની પણ તપાસ કરવાનું શરૂ કર્યું, જે પરિવારનું હતું અને તેમાં આગમાં નુકસાન થયું હતું. થોડા મહિનાઓ પછી, જમ્મુ-કાશ્મીરમાં પરિવારની એક કાર પણ મળી આવી હતી, પરંતુ તે તેમના ઠેકાણા વિશે કોઈ સુરાગ આપી શકી ન હતી.





