Operation Sindoor : ભારતીય વાયુસેના (IAF) ના વડા એર ચીફ માર્શલ એપી સિંહે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભારતના S-400 મિસાઇલ સિસ્ટમે હાલમાં ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની વાયુસેનાના 5 લડાકુ વિમાનને તોડી પાડ્યા હતા. આ ઉપરાંત 300 કિલોમીટરના અંતરેથી એક એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ/ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ (AEW&C/ELINT) વિમાનને પણ તોડી પાડવામાં આવ્યું હતું.
તેમણે એ પણ માહિતી આપી હતી કે વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે જેકબાબાદમાં પાર્ક કરેલા કેટલાક F-16 વિમાન અને ભોલારી એર બેઝ પર એક AEW&C ને તોડી પાડવામાં આવ્યા હતા.
એર ચીફ માર્શલ એપી સિંહના જણાવ્યા અનુસાર ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન તેના હવાઈ સંરક્ષણને મજબૂત બનાવવા માટે S-400 નો ઉપયોગ કર્યો હતો. તે રશિયા પાસેથી ખરીદેલી એક અદ્યતન સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ છે, જે 400 કિલોમીટર સુધીના લક્ષ્યોને નષ્ટ કરી શકે છે.
5 પાકિસ્તાની ફાઇટર વિમાનોને હવામાં તોડી પાડ્યા
આ ઓપરેશનમાં S-400 એ શાનદાર પ્રદર્શન કર્યું અને 5 પાકિસ્તાની ફાઇટર વિમાનોને હવામાં તોડી પાડ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે 300 કિલોમીટરના અંતરેથી AEW&C/ELINT વિમાનને નિશાન બનાવવામાં આવ્યું હતું, જે આ સિસ્ટમની રેન્જ અને ચોકસાઈ દર્શાવે છે. AEW&C વિમાનનો ઉપયોગ દુશ્મન પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે થાય છે. તેથી તે નષ્ટ થવું પાકિસ્તાન માટે મોટો ઝટકો હોઈ શકે છે.
આ પણ વાંચો – ટેરિફ બોમ્બ : ટ્રમ્પના નારાજ થવાના બે કારણો, શાંત દેખાઇ રહેલા ભારતની ફુટનીતિ પણ સમજો
એર બેઝ પર પાર્ક કરેલા કેટલાક F-16 ફાઇટર પ્લેન પણ તોડી પાડ્યા
IAF વડાએ એવો પણ દાવો કર્યો હતો કે જેકબાબાદ એર બેઝ પર પાર્ક કરેલા કેટલાક F-16 ફાઇટર પ્લેન તોડી પાડ્યા હતા. આ વિમાન પાર્કિંગમાં હતા, પરંતુ ભારતીય સેનાએ સચોટ ગુપ્ત માહિતીના આધારે તેમના પર હુમલો કર્યો. તેવી જ રીતે ભોલારી એર બેઝ પર બીજા AEW&C વિમાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલાઓ દર્શાવે છે કે ભારત પાસે દુશ્મન પ્રવૃત્તિઓ વિશે સચોટ માહિતી હતી. તેનો ઉપયોગ યોગ્ય સમયે કરવામાં આવ્યો હતો.
ઓપરેશન સિંદૂર શું હતું?
પહેલગામમાં આતંકી હુમલો પછી ભારતે ઓપરેશન સિંદૂર શરુ કર્યું હતું. ઓપરેશન સિંદૂર મે 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક નાની પરંતુ તીવ્ર સૈન્ય અથડામણનો એક ભાગ હતો. આ સમય દરમિયાન ભારતે તેની હવાઈ શ્રેષ્ઠતા સાબિત કરવા માટે ઘણા પગલાં લીધાં. S-400 અને બ્રહ્મોસ મિસાઇલ જેવા શસ્ત્રોનો ઉપયોગ કરીને પાકિસ્તાનના વ્યૂહાત્મક લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઓપરેશનથી ભારતની હવાઈ રક્ષા અને સટીક હુમલાની ક્ષમતા વિશ્વ સમક્ષ આવી છે.