Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર પૂર્વ જસ્ટિસ બી સુદર્શન રેડ્ડી પર નક્સલવાદનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે.
કોચીમાં એક કાર્યક્રમમાં બોલતા અમિત શાહે જણાવ્યું હતું કે કેરળમાં કોંગ્રેસની જીતવાની જે રહી સહી સંભાવના હતી તે પણ સમાપ્ત થઈ ગઈ છે કારણ કે વિપક્ષના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડી તે જ છે જેમણે વામપંથી ઉગ્રવાદને, નક્સલવાદને મદદ કરવા માટે સલવા જુડુમનો ચુકાદો આપ્યો હતો. જો સલવા જુડુમનો નિર્ણય લેવામાં આવ્યો ન હોત તો વામપંથી ઉગ્રવાદ 2020 સુધી સમાપ્ત થઇ ગયો હોત.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આ એ જ સજ્જન છે જેમણે વિચારધારાથી પ્રેરિત સલવા જુડુમનો નિર્ણય આપ્યો હતો. કેરળે નક્સલવાદનો દંશ ઝેલ્યો છે. ઉગ્રવાદને પણ સહન કર્યો છે. કેરળની જનતા એ વાત જરુર જોશે કે કેવી રીતે વામપંથીના દબાણમાં આવીને કોંગ્રેસે એવા ઉમેદવારની પસંદ કરી છે જેણે સુપ્રીમ કોર્ટ જેવા મંચનો ઉપયોગ વામપંથી ઉગ્રવાદ અને નક્સલવાદનું સમર્થન કરવા માટે કર્યું.
ચુકાદામાં કોર્ટે શું કહ્યું?
વર્ષ 2011માં જસ્ટિસ સુદર્શન રેડ્ડી અને એસ.એસ.નિજ્જરની બેન્ચે સલવા જુડુમ નામના સંગઠનને ભંગ કરી નાખ્યું હતું. આ સંગઠનમાં છત્તીસગઢ સરકારે માઓવાદી વિદ્રોહનો સામનો કરવા માટે આદિવાસી યુવાનોને સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) તરીકે નિયુક્ત કર્યા હતા. કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે આ મિલિશિયા સંગઠન અવૈધ અને ગેરબંધારણીય છે.
આ પણ વાંચો – પીએમ મોદીનો કોંગ્રેસ-આરજેડી પર પ્રહાર, કહ્યું – પોતાની વોટબેંકને વધારવા બિહારના લોકોના અધિકાર છીનવી રહ્યા છે
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જસ્ટિસ રેડ્ડી અને એનડીએના ઉમેદવાર સી.પી.રાધાકૃષ્ણન વચ્ચે સીધો મુકાબલો છે. 9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન થશે અને તે જ દિવસે મતગણતરી થશે. 21 જુલાઈએ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની જરુર પડી છે.