Srinagar Airport: શ્રીનગર એરપોર્ટ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 26 જુલાઈ (શનિવાર) ના રોજ દિલ્હી જતી ફ્લાઇટ SG-386 ના બોર્ડિંગ ગેટ પર એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ સ્પાઇસજેટના ચાર ગ્રાઉન્ડ સ્ટાફ સભ્યો પર ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો. એરલાઇને એક નિવેદન જારી કરીને કહ્યું કે શ્રીનગર એરપોર્ટ પર થયેલા હુમલામાં સ્પાઇસજેટના ચાર કર્મચારીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.
સ્પાઇસજેટ દ્વારા ઘટના અંગે આપવામાં આવેલી માહિતી અનુસાર, સેના અધિકારી દ્વારા કરવામાં આવેલા હુમલામાં બે કર્મચારીઓ ખરાબ રીતે ઘાયલ થયા છે. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે એરલાઇને કહ્યું છે કે સેના અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, શ્રીનગર એરપોર્ટ પરની આ ઘટના 26 જુલાઈ 2025 ની છે. સ્પાઇસજેટે તેને “ખૂની હુમલો” ગણાવ્યો છે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને FIR નોંધાલી છે. CCTV ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા છે, અને સેનાએ પણ તપાસના આદેશ આપ્યા છે.
એરલાઇને સંપૂર્ણ માહિતી આપી
સ્પાઇસજેટે પણ ઘટના અંગે નિવેદન જારી કર્યું છે. સ્પાઇસજેટે જણાવ્યું હતું કે 26 જુલાઈ 2025 ના રોજ, શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઇટ SG-386 ના બોર્ડિંગ ગેટ પર એક મુસાફરે એરલાઇનના ચાર કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.
એરલાઇનના જણાવ્યા અનુસાર, મુસાફરે સ્ટાફને મુક્કા અને લાત મારી હતી. આ હુમલામાં એક કર્મચારીને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી અને બીજાને જડબામાં ગંભીર ઈજા થઈ હતી. એક કર્મચારી બેભાન થઈ ગયો હતો, પરંતુ આરોપી મુસાફરે તેના પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું. જ્યારે બીજો કર્મચારી બેભાન વ્યક્તિને મદદ કરવા માટે નીચે ઝૂક્યો ત્યારે તેને પણ લાત મારી હતી જેના કારણે તેના નાક અને મોંમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. એરલાઇન્સે આ ઘટનાની નિંદા કરી છે અને આ બાબત સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, લોન ફ્રોડ કેસમાં ધરપકડ કરાયેલ પાર્થ સારથી બિસ્વાલ કોણ છે?
એરલાઇન્સ અનુસાર, ઘાયલ કર્મચારીઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે, કારણ કે તેમને ગંભીર ઈજાઓ થઈ છે. હુમલો કરનાર મુસાફર એક વરિષ્ઠ લશ્કરી અધિકારી હતો. તે બે કેબિન બેગ લાવ્યો હતો, જેનું કુલ વજન 16 કિલો હતું, જ્યારે નિયમો અનુસાર, ફક્ત 7 કિલો સુધીનો સામાન જ લઈ જવાની મંજૂરી છે. જ્યારે તેને શાંતિથી વધારાના વજન વિશે કહેવામાં આવ્યું અને ફી ચૂકવવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે ના પાડી દીધી. આ પછી તે બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના બળજબરીથી એરોબ્રિજમાં પ્રવેશ્યો, જે ઉડ્ડયન સુરક્ષા નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
મુસાફર સામે કડક કાર્યવાહીની માંગ
જોકે, એક સુરક્ષા ગાર્ડે તેને તાત્કાલિક રોક્યો અને તેને ગેટ પર પાછો લઈ ગયો. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. એરલાઈને નાગરિક ઉડ્ડયનના નિયમો હેઠળ તે મુસાફરને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સ્પાઈસજેટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને તેના કર્મચારીઓ પર થયેલા હુમલાની માહિતી આપી છે અને મુસાફર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉપરાંત એરલાઈને એરપોર્ટ સત્તાવાળાઓ પાસેથી ઘટનાના CCTV ફૂટેજ લીધા છે અને પોલીસને સોંપ્યા છે જેથી તે તપાસમાં મદદ કરી શકે.