Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે તેઓ બે દિવસ પછી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેશે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં પાર્ટી ધારાસભ્ય દળની બેઠક યોજાશે અને આગામી મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે?
કથિત એક્સાઈઝ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ કેજરીવાલે રવિવારે પહેલી વાર દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. અહીં કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમણે કહ્યું કે તેમણે મોટી જાહેરાત કરી હતી. અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ અને પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા આગામી દિવસોમાં દિલ્હીમાં ઘરે-ઘરે જઈને આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરશે.
દિલ્હીમાં ટૂંક સમયમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી
કેજરીવાલની જેલમાંથી બહાર આવ્યા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે તે મુખ્યમંત્રી તરીકે યથાવત્ રહેશે. કારણ કે થોડા જ મહિનામાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દિલ્હીમાં 2015 અને 2020ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી જંગી બહુમતી પાછળનું મુખ્ય કારણ અરવિંદ કેજરીવાલ હતા. પરંતુ કેજરીવાલે રાજકીય વિશ્લેષકોને આશ્ચર્યમાં મુકીને એ જાહેરાત કરી હતી કે તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેશે અને પાર્ટીના કોઇ નવા નેતાને મુખ્યમંત્રી બનાવશે.
આ પણ વાંચો – પીએમ આવાસમાં ગાયે વાછરડાને જન્મ આપ્યો, પીએમ મોદીએ વરસાવ્યો વ્હાલ, જુઓ વીડિયો
ભાજપે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા દિલ્હીમાં ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને પત્ર લખીને દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી હતી.
દિલ્હીના આગામી મુખ્યમંત્રી તરીકે કોણ રેસમાં?
પાર્ટી ધારાસભ્યોમાંથી કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવશે તે લગભગ નક્કી છે. આવી સ્થિતિમાં ત્રણ મોટા ચહેરાઓ ઉભરી આવે છે. આ ત્રણેય આમ આદમી પાર્ટીની સરકારમાં કેબિનેટ મંત્રી છે અને 2012માં આમ આદમી પાર્ટીની શરૂઆતથી અરવિંદ કેજરીવાલની નજીક છે.
ગોપાલ રાય
તેમાંથી પહેલું નામ ગોપાલ રાય છે. ગોપાલ રાય દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સંયોજક છે અને અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં પાર્ટી સંગઠનની કામગીરી સંભાળે છે. ગોપાલ રાય કેજરીવાલ સરકારમાં કેબિનેટ મંત્રી છે. ગોપાલ રાય બાબરપુર બેઠક પરથી ધારાસભ્ય છે.
આતિશી માર્લેના
બીજા નંબર પર આતિશી માર્લેનાનું નામ આવે છે. આતિશી દિલ્હી સરકારમાં પીડબલ્યુડી, શિક્ષણ મંત્રી છે. તેઓ દિલ્હીની કાલકાજી બેઠક પરથી ધારાસભ્ય છે અને સરકારના નિર્ણયોને મીડિયા સામે રાખે છે. મીડિયામાં પણ તેઓ આમ આદમી પાર્ટીનો મોટો ચહેરો છે. એક મહિલા હોવાના કારણે પાર્ટી તેના નામ પર દાવ લગાવી શકે છે. 15 ઓગસ્ટે જ્યારે કેજરીવાલ તિહાડ જેલની અંદર હતા અને તિરંગો ફરકાવવાનો કાર્યક્રમ હતો ત્યારે કેજરીવાલે આતિશીનું નામ આગળ વધાર્યું હતું.
સૌરભ ભારદ્વાજ
ત્રીજા નંબર પર સૌરભ ભારદ્વાજનું નામ આવે છે. સૌરભ ભારદ્વાજ દિલ્હીની ગ્રેટર કૈલાશ બેઠક પરથી ધારાસભ્ય છે અને સરકારમાં મંત્રી પણ છે. સૌરભ ભારદ્વાજ પાસે આરોગ્ય, શહેરી વિકાસ જેવા મોટા વિભાગો છે.
માનવામાં આવી રહ્યું છે કે ગોપાલ રાય, આતિશી અને સૌરભ ભારદ્વાજમાંથી કોઇ એક ચહેરો દિલ્હીના આગામી મુખ્યમંત્રી બની શકે છે.





