હાલમાં સોશિયલ મીડિયા પર એક છોકરાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ છોકરો બોટ પર ઊભો રહીને ડાન્સ કરી રહ્યો છે. બોટને પૂરપાટ ઝડપે ચલાવવામાં આવી રહી છે પરંતુ છોકરાનું સંતુલન અદ્ભુત છે, જે તે આ પરિસ્થિતિમાં પણ શાનદાર ડાન્સ મૂવ્સ બતાવી રહ્યો છે. આ વીડિયોને કારણે આ છોકરો હવે સોશિયલ મીડિયા સ્ટાર બની ગયો છે. આજે આખી દુનિયા આ છોકરાની નકલ કરી રહી છે. ચાલો આજે આ છોકરા વિશે જાણીએ.
બોટની સામે ઊભો રહીને ડાન્સ કરીને વાયરલ થયો
થોડા દિવસો પહેલા વાયરલ થયેલો આ વીડિયો ઇન્ડોનેશિયાનો હોવાનું કહેવાય છે. જ્યાં રિયાઉ પ્રાંતમાં યોજાયેલા પરંપરાગત ‘પાકુ જાલુર’ બોટ રેસ ફેસ્ટિવલમાં આ છોકરાએ રેસિંગ બોટની આગળ ઊભા રહીને એટલો શાનદાર ડાન્સ કર્યો કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં છોકરાને કાળા પરંપરાગત તેલુક બેલાંગા પોશાક અને મલય રિયાઉ હેડક્લોથ, સનગ્લાસ સાથે પહેરેલા જોઈ શકાય છે. છોકરાએ તેના સરળ અને સ્ટાઇલિશ ડાન્સ મૂવ્સથી સોશિયલ મીડિયા પર લાખો લોકોના દિલ જીતી લીધા છે.
જાણો કોણ છે આ છોકરો
જ્યારે આ છોકરા વિશે માહિતી એકત્રિત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો ફક્ત 11 વર્ષનો છે. આ છોકરાનું નામ રાયન અરકન ધિકા છે, જે ઇન્ડોનેશિયામાં રહે છે. સોશિયલ મીડિયા પર લોકો આ છોકરાને “ઓરા ફાર્મર” કહે છે. હાલમાં આ છોકરો એટલો વાયરલ થયો છે કે તાજેતરમાં બીબીસીએ તેનો ઇન્ટરવ્યુ લીધો હતો, જેમાં તેણે કહ્યું હતું કે “મેં પોતે આ ડાન્સ વિશે વિચાર્યું હતું. મારા માટે તે કરવું ખૂબ જ સરળ હતું. હવે જ્યારે પણ મારા મિત્રો મને જુએ છે ત્યારે તેઓ કહે છે ‘તું વાયરલ થઈ ગયો છે.”
સોશિયલ મીડિયા પર ઓરા ફાર્મર તરીકે ઓળખાતો આ વીડિયો, જે સૌપ્રથમ જાન્યુઆરીમાં TikTok પર લેન્સા રેમ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો, તે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને X જેવા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થયો.
પાકુ જાલુર ઉત્સવ પર પરંપરાગત બોટ રેસ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે
પાકુ જાલુર એ ઇન્ડોનેશિયાના રિયાઉ પ્રાંતનો એક પરંપરાગત બોટ રેસ ફેસ્ટિવલ છે, જેમાં 60 જેટલા ખલાસીઓ લાંબી, સાંકડી હોડીઓમાં ભાગ લે છે. રાયન આ રેસમાં ‘ટોગાક લુઆન’ ની ભૂમિકા ભજવી રહ્યો હતો, જેનું કામ નૃત્ય અને લય દ્વારા ખલાસીઓને પ્રેરણા આપવાનું છે. રાયન 9 વર્ષની ઉંમરથી આ ભૂમિકા ભજવી રહ્યો છે પરંતુ આ વખતે તેના પ્રથમ રાષ્ટ્રીય સ્તરના પ્રદર્શનથી તેને વૈશ્વિક ઓળખ મળી.
આ પણ વાંચો: ‘પંચાયત’ના જમાઈ આસિફ ખાનને હાર્ટ એટેક આવ્યો, હોસ્પિટલમાં સારવાર હેઠળ
આજે આખી દુનિયા આ છોકરાની નકલ કરી રહી છે
રાયનનો ડાન્સ એટલો લોકપ્રિય બન્યો કે ફક્ત સામાન્ય લોકો જ નહીં પણ મોટા સ્ટાર્સ પણ તેની નકલ કરવા લાગ્યા. NFL સ્ટાર ટ્રેવિસ કેલ્સે મજાકમાં કહ્યું કે રાયનના નૃત્યના મૂવ્સ તેના જેવા જ છે, અને તેનો વીડિયો 14 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.





