Ayodhya Ram Navami 2025 : રામ મંદિર નિર્માણની સાથે જ અયોધ્યાનું ભાગ્ય પણ બદલાઈ ગયું છે. હવે પર્યટન પહેલા કરતા વધુ છે, લોકોને રોજગારી મળી છે, મંદિર ટ્રસ્ટમાં પણ ઘણું આવી રહ્યું છે. આ ઉપરાંત યુપી સરકાર દ્વારા પણ આવી અનેક વિકાસ યોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે, જેમાં અયોધ્યાને કેન્દ્રમાં રાખવામાં આવી રહ્યું છે. અહીં ચાલો આપણે એ જાણવાનો પ્રયાસ કરીએ કે અયોધ્યાને રામ મંદિરથી કેટલો ફાયદો થયો છે?
રામ મંદિરને કેટલું દાન મળ્યું?
રામ મંદિરને એક વર્ષમાં 700 કરોડથી વધુનું દાન મળ્યું છે. આ આંકડો કહેવા માટે પુરતો છે કે રામનગરીમાં ભક્તોએ દિલ ખોલીને દાન આપ્યું છે. મહાકુંભ દરમિયાન તો અનેક જૂના રેકોર્ડ તૂટ્યા છે. શ્રદ્ધાળુઓએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી, સાથે અયોધ્યામાં રામ લલ્લાના દર્શન પણ કર્યા હતા. આ કારણે રામલલાને 45 દિવસમાં 20 કરોડનું દાન મળ્યું હતું. યુપી સરકારના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન રામલલાને 57 લાખ રૂપિયાનું વિદેશી દાન પણ મળ્યું હતું.
મોટી વાત એ છે કે મંદિર ટ્રસ્ટની આવકમાં પણ સતત વધારો જોવા મળ્યો છે. 2023-24માં મંદિર ટ્રસ્ટની આવક 376 કરોડ રૂપિયા હતી. જ્યારે આ વર્ષના પહેલા બે મહિનામાં આ આંકડો 26.89 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. મહા કુંભ દરમિયાન મંદિર ટ્રસ્ટે દાનપેટીઓની સંખ્યામાં ઘણો વધારો કરવો પડ્યો હતો.
અયોધ્યાના પર્યટનને કેટલું પ્રોત્સાહન મળ્યું?
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ બાદથી પર્યટનને પણ ઘણો ફાયદો થયો છે. ઘણા અહેવાલો આ વાતની પુષ્ટિ કરી રહ્યા છે. તાજેતરના એક અહેવાલ અનુસાર ગયા વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન 135.5 મિલિયન સ્થાનિક પ્રવાસીઓએ અયોધ્યાની મુલાકાત લીધી હતી. બીજા શબ્દોમાં કહીએ તો રામ મંદિર નિર્માણ બાદ અયોધ્યામાં ધાર્મિક પર્યટનમાં અભૂતપૂર્વ 70 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એક અન્ય આંકડો દર્શાવે છે કે અયોધ્યામાં દરરોજ સરેરાશ 5 લાખ શ્રદ્ધાળુઓ આવે છે.
આ પણ વાંચો – સંસદમાં પાસ, રાષ્ટ્રપતિની મંજૂરી, શું હવે વકફ કાનૂનને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે?
હવે આ આંકડો ઘણો વધારે માનવામાં આવશે કારણ કે અત્યાર સુધી જ્યારે પર્યટનની વાત આવે છે, ત્યારે એકલા કેરળમાં જ 35168.42 કરોડની આવક થતી હતી. તે દેશની ટોચે હતું. ગોવા 4.03 લાખ પ્રવાસીઓ સાથે બીજા સ્થાને આવ્યું હતું. પરંતુ હવે રામ મંદિર અયોધ્યાનું ભાગ્ય બદલાતું દેખાઈ રહ્યું છે.
અયોધ્યાના હોટલ ઉદ્યોગની શું હાલત છે?
રામ મંદિરને કારણે અયોધ્યાના હોટલ ઉદ્યોગને મોટો વેગ મળ્યો છે. જે અયોધ્યામાં પહેલા ગણતરીની હોટલો હતી ત્યાં હવે તાજ અને મેરિયટ જેવી હોટેલ ચેઇન્સ સામેલ થઇ ચુકી છે. આગામી દિવસોમાં અયોધ્યામાં ઘણી મોટી હોટલો ખુલવા જઈ રહી છે. આ લિસ્ટમાં તાજ અને વેદાંતા જેવા નામ સૌથી ઉપર છે. આ સિવાય અહીં સરોવર હોટલ્સ એન્ડ રિસોર્ટ, જેએલએલ ગ્રુપ અને રેડિસન્સ પાર્ક ઇન્ક પણ ખુલશે.
આજ તકના રિપોર્ટ અનુસાર અયોધ્યાને 2027 સુધીમાં ત્રણ ફાઈવ સ્ટાર હોટલ મળવાની છે, જે તમામનું નિર્માણ તાજ ગ્રુપ કરશે. આ ઉપરાંત વિવાંતા પણ 100 રૂમની હોટલ બનાવવા જઈ રહ્યું છે.





