બાંગ્લાદેશ હિંસા : શેખ હસીનાનો મોટો ખુલાસો, પોતાની સરકારના પતન માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું

Bangladesh Crisis : શેખ હસીનાએ આરોપ લગાવ્યો છે કે સેન્ટ માર્ટિન ટાપુ અમેરિકાને ન સોંપવાના કારણે તેમને સત્તામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા

Written by Ashish Goyal
Updated : August 11, 2024 16:13 IST
બાંગ્લાદેશ હિંસા : શેખ હસીનાનો મોટો ખુલાસો, પોતાની સરકારના પતન માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું
બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Bangladesh Crisis: બાંગ્લાદેશમાં ચાલી રહેલી ઉથલપાથલ અને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યાના થોડા દિવસ બાદ શેખ હસીનાએ મોટો ખુલાસો કર્યો છે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પોતાની સરકારના પતન માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે.

શેખ હસીનાએ આરોપ લગાવ્યો છે કે સેન્ટ માર્ટિન ટાપુ અમેરિકાને ન સોંપવાના કારણે તેમને સત્તામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ બંગાળની ખાડીમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શક્યા હોત. તેમણે બાંગ્લાદેશી નાગરિકોને કટ્ટરપંથીઓ દ્વારા ગેરમાર્ગે નહીં દોરાવવાની અપીલ કરી હતી. શેખ હસીના હાલ ભારતમાં છે.

મારે લાશોના ઢગલા ન જોવા પડે તે માટે મેં રાજીનામું આપ્યું હું – શેખ હસીના

ઇકોનોમિક્સ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે પોતાના નજીકના સહયોગીઓના માધ્યમથી દ્વારા મોકલેલા એક સંદેશમાં શેખ હસીનાએ જણાવ્યું હતું કે મારે લાશોના ઢગલા ન જોવા પડે તે માટે મેં રાજીનામું આપ્યું હતું. તેઓ વિદ્યાર્થીઓની લાશો પર સત્તા પર આવવા માંગતા હતા, પરંતુ મેં તેની મંજૂરી આપી નહીં, મેં વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું.

તેમણે કહ્યું કે જો મેં સેન્ટ માર્ટિન ટાપુનું સાર્વભૌમત્વ અમેરિકાને સોંપી દીધું હોત અને બંગાળની ખાડીમાં તેમનું વર્ચસ્વ સ્થાપિત કરવાની છૂટ આપી હોત તો હું સત્તામાં રહી શકી હોત. હું મારા દેશની જનતાને વિનંતી કરું છું કે, મહેરબાની કરીને કટ્ટરપંથીઓની વાતમાં ન આવે.

ઇકોનોમિક્સ ટાઇમ્સે પોતાના રિપોર્ટમાં શેખ હસીનાના હવાલાથી કહ્યું કે જો હું દેશમાં રહી હોત તો વધુ લોકોના જીવ ગયા હોત અને વધુ સંસાધનો અને જાહેર સંપત્તિને નુકસાન થયું હોત. મેં દેશ છોડવાનો ખૂબ જ મુશ્કેલ નિર્ણય લીધો. હું તમારી નેતા બની, કારણ કે તમે મને ચૂંટી હતી, તમે જ મારી તાકાત હતા. એ સમાચાર સાંભળી મારું દિલ રહી રહ્યું છે કે મારી પાર્ટી આવામી લીગના ઘણા નેતાઓ માર્યા ગયા છે, કાર્યકર્તાઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે અને તેમના ઘરોમાં તોડફોડ કરીને આગ ચાંપવામાં આવી રહી છે.

હું ટૂંક સમયમાં પાછી આવીશ – શેખ હસીના

તેમણે કહ્યું કે અલ્લાહની કૃપાથી, હું ટૂંક સમયમાં પાછી આવીશ. આવામી લીગ પડકારો સામે લડી-લડીને ફરી ઉભી રહી છે. હું હંમેશા બાંગ્લાદેશના ભવિષ્ય માટે પ્રાર્થના કરીશ, જે રાષ્ટ્રનું સપનું મારા મહાન પિતાએ જોયું હતું અને તેના માટે પ્રયત્નશીલ રહ્યા હતા. જે દેશ માટે મારા પિતા અને પરિવારે પોતાનો જીવ આપ્યો હતો.

આ પણ વાંચો – બાંગ્લાદેશ હિંસા : હિન્દુઓની સુરક્ષા માટે ગૃહમંત્રી અમિત શાહે બનાવી કમિટી

શેખ હસીનાએ કહ્યું કે તેઓ લોકશાહીનો નાશ કરવાનો અને એવી સરકાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેનું કોઈ લોકશાહી અસ્તિત્વ નહીં હોય. સૂત્રોનો દાવો છે કે સરકારી નોકરીઓમાં અનામતનો વિરોધ કરતી વખતે કથિત રીતે હંગામો મચાવનારા તોફાનીઓ તે વિદેશી તાકાતનના હાથે રમી રહ્યા હતા, જેઓ બાંગ્લાદેશમાં ‘શાસન પરિવર્તન’ની યોજના બનાવી રહ્યા હતા.

મેં વિદ્યાર્થીઓને ક્યારેય રઝાકર કહીને બોલાવ્યા નથી – શેખ હસીના

નોકરીના ક્વોટાને લઈને વિદ્યાર્થીઓના વિરોધનો ઉલ્લેખ કરતા શેખ હસીનાએ કહ્યું કે હું બાંગ્લાદેશના યુવા વિદ્યાર્થીઓને કહેવા માંગું છું કે મેં તમને ક્યારેય રઝાકર કહીને બોલાવ્યા નથી, પણ તમને ઉશ્કેરવા માટે મારા શબ્દોને તોડી-મરોડીને રજુ કરવામાં આવ્યા હતા. હું તમને વિનંતી કરું છું કે તે દિવસનો આખો વીડિયો જુઓ. કાવતરાખોરોએ તમારી નિર્દોષતાનો ફાયદો ઉઠાવ્યો અને તમારો ઉપયોગ દેશને અસ્થિર કરવા માટે કર્યો.

શેખ હસીનાના નજીકના અવામી લીગના કેટલાક નેતાઓએ પણ ઢાકામાં સરકાર બદલવા માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. તેમનું કહેવું છે કે મે મહિનામાં ઢાકાની મુલાકાતે આવેલા અમેરિકાના એક વરિષ્ઠ રાજદ્વારીનો તેની પાછળ હાથ હતો. શેખ હસીનાને 5 ઓગસ્ટની સાંજે બાંગ્લાદેશથી ભાગીને ભારતમાં શરણ લેવી પડી હતી. અનામત વિરોધી આંદોલન પહેલા હસીનાએ એપ્રિલમાં સંસદમાં કહ્યું હતું કે અમેરિકા પોતાના દેશમાં સત્તા પરિવર્તનની રણનીતિ પર કામ કરી રહ્યું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ