Bihar Assembly Election 2025 : ચૂંટણી પંચ દ્વારા બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની જાહેરાત કરવામાં આવી છે. 6 નવેમ્બર પ્રથમ તબક્કામાં અને 11 નવેમ્બર બીજા તબક્કામાં મતદાન યોજાશે. 14 નવેમ્બર મત ગણતરી થશે. બિહારની ચૂંટણી જીતવા માટે એનડીએ અને મહાગઠબંધન વચ્ચે જંગ જોવા મળશે. આ દરમિયાન અમે તમને 2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં શું પરિણામ આવ્યું હતું તે વિશે જાણકારી આપી રહ્યા છીએ.
2020 ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કુલ 243 બેઠકો પર ચૂંટણી લડાઈ હતી. તે ચૂંટણીમાં NDA ગઠબંધને બહુમતી મેળવીને સરકાર બનાવી હતી. NDA ગઠબંધને કુલ 125 બેઠકો જીતી હતી અને નીતિશ કુમારે 16 નવેમ્બર 2020 ના રોજ સાતમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
NDA માં ભાજપે સૌથી વધારે બેઠકો જીતી હતી
NDA માં ચાર પાર્ટી સામેલ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP), જનતા દળ (યુનાઇટેડ), હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) હતી. ભાજપે 110 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 74 બેઠકો પર જીત મેળવી હતી. JDU એ 115 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને 43 બેઠકો પર જીત મેળવી હતી. જીતન રામ માંઝીની HAM પાર્ટીએ 7 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 4 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે મુકેશ સાહનીની VIP પાર્ટીએ 11 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 4 સીટ પર જીત મેળવી હતી.
આ પણ વાંચો – બિહાર ચૂંટણી 2025 બે તબક્કામાં યોજાશે, મતદાન 6 અને 11 નવેમ્બર, ગણતરી 14મીએ થશે
બીજી તરફ મહાગઠબંધને કુલ 110 બેઠકો જીતી હતી. રાષ્ટ્રીય જનતા દળ (RJD) સૌથી મોટો પક્ષ હતો, જેણે 144 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 75 બેઠકો જીતી હતી. કોંગ્રેસે 70 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 29 બેઠકો પર જ જીત મેળવી હતી. CPI (ML) એ 19 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 12 બેઠકો પર જીત મેળવી હતી. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI) એ 6 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 2 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે CPI (M) એ 4 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 2 બેઠકો પર જીત મેળવી હતી.
AIMIM એ 15 બેઠકો પર જીત મેળવી હતી
2020માં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM, માયાવતીની બહુજન સમાજ પાર્ટી (BSP) અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (RLSP) એ સાથે મળીને ચૂંટણી લડી હતી. AIMIM એ બિહારમાં 20 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 5 બેઠકો પર જીત મેળવી હતી, સીમાંચલ ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ દર્શાવ્યો હતો. BSP એ 78 બેઠકો પર ચૂંટણી લડી હતી અને માત્ર એક બેઠક જીતી હતી. RLSP એ 99 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા પરંતુ એક પણ બેઠક જીતી શક્યા ન હતા.
LJP એ 135 બેઠકો પર ચૂંટણી લડી હતી
ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (LJP) એ 2020 માં પોતાના દમ પર 135 બેઠકો પર ચૂંટણી લડી હતી. એલજીપી એક જ બેઠક જીતી હતી.