Budget 2025 Updates PM Modi Speech : નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે સામાન્ય બજેટ રજુ કર્યું હતું. આ બજેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. પીએમે તેને સામાન્ય માણસનું બજેટ ગણાવ્યું અને નાણામંત્રી નિર્મલા સીતારમણના વખાણ પણ કર્યા છે. પીએમ મોદીએ કહ્યું આ બજેટ મધ્યમ વર્ગના ખિસ્સાને ભારે કરશે અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપશે.
પીએમ મોદીએ બજેટ પર શું કહ્યું
પીએમ મોદીએ વધુમાં કહ્યું આ બજેટ દરેક ભારતીયનું સપનું પૂરું કરવા જઈ રહ્યું છે. અમે યુવાનો માટે ઘણા ક્ષેત્રો ખોલ્યા છે. તેનાથી બજેટ ગ્રોથને વેગ મળશે. હું નાણામંત્રી અને તેમની આખી ટીમને જનતા જનાર્દનનું બજેટ આપવા માટે અભિનંદન આપું છું.
પીએમ મોદીએ કહ્યું કે સામાન્ય રીતે બજેટનું ફોકસ એ વાત પર હોય છે કે સરકારનો ખજાનો કેવી રીતે ભરાશે. પરંતુ આ બજેટ બિલકુલ વિપરીત છે. આ બજેટ દેશના નાગરિકોના ખિસ્સા કેવી રીતે ભરાશે અને કેવી રીતે બચત થશે, કેવી રીતે વિકાસમાં ભાગીદાર બની શકાય, આ બજેટ તેના પર ખૂબ જ મજબૂત પાયો નાખે છે.
આ પણ વાંચો – બજેટ 2025 ખેડૂતોને શું મળ્યું? કિસાન ક્રેડિટ કાર્ડ, ધન ધાન્ય યોજના અંગે કરાઇ મોટી જાહેરાત
તેમણે કહ્યું કે પરમાણુ ઊર્જામાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો નિર્ણય ખૂબ જ ઐતિહાસિક છે. તેનાથી દેશના વિકાસમાં યોગદાન સુનિશ્ચિત થશે. બજેટમાં રોજગાર ક્ષેત્રને પ્રાથમિકતા આપવામાં આવી છે. આત્મનિર્ભર અભિયાન વેગ પકડશે. દેશમાં પર્યટન માટે ઘણી સંભાવનાઓ છે.
12 લાખ રુપિયા સુધી કોઇપણ ટેક્સ નહીં
વર્ષ 2025-2026ના સામાન્ય બજેટમાં મોદી સરકારે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. નાણામંત્રીએ કહ્યું – 12 લાખ રૂપિયા સુધી કોઈ પણ પ્રકારનો આવકવેરો ચૂકવવો પડશે નહીં. તેમણે કહ્યું કે તમામ કરદાતાઓને ફાયદો થાય તે માટે સ્લેબ અને દરોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
નિર્મલા સીતારમણનું આ આઠમું બજેટ હતું. તેમણે 74 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું, જે તેમનું અત્યાર સુધીનું બીજું સૌથી ટૂંકું બજેટ ભાષણ છે.





