કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું – ભારત-કેનેડાના સંબંધો ખૂબ જ મૈત્રીપૂર્ણ હતા, ટ્રુડોએ બર્બાદ કરી દીધા

India-Canada Relations : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમરિંદર સિંહે ભારત-કેનેડાના સંબંધોને બર્બાદ કરવા બદલ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની ટીકા કરી. અમરિંદર સિંહે કહ્યું - ટ્રુડોનો એકમાત્ર ઉદ્દેશ ત્યાંની ચૂંટણીમાં શીખ મતો મેળવવાનો છે

Written by Ashish Goyal
October 25, 2024 21:50 IST
કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું – ભારત-કેનેડાના સંબંધો ખૂબ જ મૈત્રીપૂર્ણ હતા, ટ્રુડોએ બર્બાદ કરી દીધા
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

India-Canada Relations : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમરિંદર સિંહે ભારત-કેનેડાના સંબંધોને બર્બાદ કરવા બદલ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની ટીકા કરી છે. અમરિંદર સિંહે શુક્રવારે કહ્યું હતું કે ટ્રુડોનો એકમાત્ર ઉદ્દેશ ત્યાંની ચૂંટણીમાં શીખ મતો મેળવવાનો છે. અમરિંદર સિંહની આ ટિપ્પણી ભારત અને કેનેડા વચ્ચેના બગડતા સંબંધો વચ્ચે આવી છે.

ભારત અને કેનેડા વચ્ચે કૂટનીતિક વિવાદ પર એક પત્રકારના સવાલનો જવાબ આપતા અમરિંદર સિંહે કહ્યું કે ટ્રુડોએ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોને નષ્ટ કરી દીધા છે. ટ્રુડોને માત્ર એક જ વાતમાં રસ છે અને તે છે કેનેડાની ચૂંટણીમાં શીખ મતો મેળવવા માટે. ખન્નામાં પત્રકારો સાથે વાત કરતા પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ટ્રુડોને તેની પરવા નથી કે શું થાય છે. તેઓ અગાઉ પણ આમ કરી ચૂક્યા છે. તે ખાલિસ્તાનીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ એક એવી વસ્તુ છે જે સ્વીકાર્ય નથી.

પંજાબના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળને યાદ કરતા અમરિંદર સિંહે કહ્યું હતું કે તેમણે કેનેડાના તત્કાલીન રક્ષા મંત્રી હરજીત સજ્જનની ભારત મુલાકાત દરમિયાન તેમને મળવાનો ઇનકાર કર્યો હતો અને તેમને ખાલિસ્તાની સમર્થક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે કેનેડાના રક્ષા મંત્રી ભારતની મુલાકાતે આવ્યા હતા. મેં તેને મળવાની ના પાડી દીધી હતી.

મેં ટ્રુડોને મળવાની ના પાડી હતી : અમરિંદર સિંહ

2018માં ટ્રુડોએ કરેલી ભારતની મુલાકાતને યાદ કરતા પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે ટ્રુડો અહીં આવ્યા હતા, ત્યારે તેઓ મને મળવા માંગતા હતા. મેં કહ્યું કે હું તેને મળવા માંગતો નથી. તે પંજાબની મુલાકાત લેવા માંગતા હતા. ત્યારે ભારત સરકારે કહ્યું કે જો તમે મુખ્યમંત્રીને મળવા નથી જઇ રહ્યા તો તમે પંજાબ જઇ શકતા નથી. પછી મારે મળવું પડ્યું હતું. પંજાબની મુલાકાત દરમિયાન ટ્રુડો અને તેમનો પરિવાર અમૃતસરના સુવર્ણ મંદિરની મુલાકાતે ગયા હતા.

આ પણ વાંચો – લોરેન્સ બિશ્નોઇ ગેંગના 7 શૂટરની ધરપકડ, દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલની ઘણા રાજ્યોમાં કાર્યવાહી

ભારત-કેનેડા વચ્ચે તણાવ

કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓને ત્યાંની સરકાર દ્વારા સમર્થન આપવાના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. કેનેડાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે જૂન 2023 માં તેના નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસના ભાગરૂપે ભારતીય ઉચ્ચાયુક્ત સંજય વર્મા અને અન્ય પાંચ રાજદ્વારીઓની તપાસ ચાલી રહી છે. આ પછી ભારતે વર્મા અને પાંચ રાજદ્વારીઓને પાછા બોલાવ્યા હતા. ભારતે કેનેડા પર આરોપ લગાવ્યો હતો કે તે ખાલિસ્તાની સહાનુભૂતિ ધરાવનારાઓની પ્રવૃત્તિઓને રોકવા માટે કંઇ કરી રહ્યું નથી, જેઓ ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને કમજોર કરવા માંગે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ