Chenab Rail Bridge: ચેનાબ બ્રિજ વિશ્વનો સૌથી ઉંચો રેલ પુલ છે. સિવિલ એન્જિયરિંગની અજાયબી સમાન આ પુલ કમાન આકારમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર 6 જૂને આ પુલને ખુલ્લો મુકી જમ્મુ કાશ્મીર સહિત દેશવાસીઓને એક મોટી ભેટ આપી છે. આ પ્રસંગે તેમણે શ્રીનગર અને કટરા વચ્ચે બે ખાસ ડિઝાઇન કરેલી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી.
ચિનાબ રેલવે પુલ એ એન્જિનિયરિંગની અજાયબી તો છે જ પરંતુ સાથોસાથ નવા કાશ્મીરનું પ્રતિક પણ છે. દેશ માટે ગૌરવ સમાન ચિનાબ બ્રિજની ડિઝાઇન ડબલ્યૂએસપી ફિનલેન્ડ એ તૈયાર કરી છે. જેમાં જર્મન કંપની લિયોનહાર્ટ, એન્ડ્રા એન્ડ પાર્ટનર અને વિયના ક્ન્સલ્ટિંગ એ પુલના પિલ્લર સહિતની ડિઝાઇનમાં સહયોગ આપ્યો છે. ભૂકંપ પ્રૂફ આ પુલની નિર્માણ કોંકણ રેલવે કોર્પોરેશન દ્વારા કરાયું છે.
ચિનાબ પુલ જમ્મુ કાશ્મીર વિકાસ માટે ઘણો મહત્વનો છે. આ પુલ ચિનાબ નદી પર બનાવવામાં આવ્યો છે. જે ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક યોજનાનો ભાગ છે. જેનો હેતુ જમ્મુ અને કાશ્મીરમાં કનેક્ટિવિટી વધારવાનો છે.
ચિનાબ પુલ એફિલ ટાવર કરતાં પણ ઊંચો
આશરે ₹ 1400 કરોડના ખર્ચે બનેલો, ચેનાબ પુલ વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ છે. જે કમાન આકારનો છે. જેની ઊંચાઈ નદીના તળિયાથી 359 મીટર છે, જે પેરિસના પ્રતિષ્ઠિત એફિલ ટાવર કરતાં 35 મીટર જેટલો ઊંચો છે. આ પુલ 1315 મીટર લાંબો છે.
પુલ નિર્માણ માટે કેટલું સ્ટીલ વપરાયું
ચિનાબ પુલના નિર્માણમાં 28,660 મેટ્રિક ટન સ્ટીલ, 10 લાખ ઘન મીટર રેતી, 66,000 મીટર ક્રોંકિટનો ઉપયોગ કરાયો છે. આ પુલનું અંદાજિત વજન 10,619 મેટ્રિક ટન છે. તેનું સ્ટીલ માળખું -20 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાન અને 266 કિમી પ્રતિ કલાકની પવનની ગતિનો સામનો કરી શકે છે. આ પુલ બનાવવા માટે 3200 શ્રમિકો અને એંજિનિયરોએ કડી મહેનત કરી હતી.
ભૂકંપ અને વિસ્ફોટ સામે સલામત
આ પુલ ઘણી બધી રીતે ખાસ છે. આ પુલના નિર્માણમાં ખાસ સ્ટીલ ઉપયોગ કરાયું છે. જેનાથી પુલને 120 વર્ષ સુધી કંઇ થાય એમ નથી. આ પુલની ડિઝાઇન એ રીતે કરવામાં આવી છે કે 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન પસાર થઇ શકશે. વધુમાં આ પુલ ભૂકંપ પ્રુફ અને વિસ્ફોટ સામે પણ અડિખમ છે. તે રિક્ટર સ્કેલ પર 8 ની તીવ્રતા સુધીના ભૂકંપનો સામનો કરી શકે છે, ઉપરાંત 40 ટન TNT જેટલા ઉચ્ચ-તીવ્રતાના વિસ્ફોટોનો પણ સામનો કરી શકે છે.