છત્તીસગઢમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. છત્તીસગઢ હાઈકોર્ટે જિલ્લા ન્યાયાધીશના ત્રણ પદોની ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરાઇ હતી, ત્યારબાદ પસંદગી પામેલા અરજદારોની પરીક્ષા લેવામાં આવી હતી. હવે આ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જે હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. નોંધનીય છે કે, 3 ન્યાયાધીશના પદ માટે 314 વકીલોએ પરીક્ષા આપી હતી. જો કે આશ્ચર્યજનક રીતે તમામ ઉમેદવારો નાપાસ થયા છે.
શું છે સમગ્ર મામલો?
ગત વર્ષે છત્તીસગઢ હાઈકોર્ટે જિલ્લા ન્યાયાધીશના ત્રણ પદ પર નવી ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરી હતી. જેમાં કુલ 3 પદોમાં બે બિનઅનામત અને એક અનામત પદ પર ભરતી કરવાની હતી. આ જાહેરાત અનુસાર, ન્યાયાધીશના પદની પરીક્ષા માટે 27 જૂનથી 22 જુલાઈ 2022 વચ્ચે અરજી કરવાની હતી. તો લેખિત પરીક્ષાની તારીખ 25 સપ્ટેમ્બર, 2022 નક્કી કરવામાં આવી હતી.
પરીક્ષામાં બેસવા માટે અરજદાર પાસે કાયદાના સ્નાતકની ડિગ્રી હોવો આવશ્યક છે. યુજીસી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઉમેદવારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત 7 વર્ષ સુધી વકીલાતની પ્રેક્ટિસનો અનુભવ હોવો પણ ફરજિયાત હતો. બિનઅનામત વર્ગના અરજદારો માટે વય મર્યાદા 35 થી 45 વર્ષ જ્યારે અનામત વર્ગના ઉમેદવાર માટે ત્રણ વર્ષની છૂટછાટ હતી.
3 ન્યાયાધીશની જગ્યા માટે કુલ 314 વકીલોએ પરીક્ષા આપી
ન્યાયાધીશના 3 પદ માટે કુલ 314 વકીલોએ પરીક્ષા આપી હતી. કુલ 200 ગુણની લેખિત પરીક્ષામાં કાયદા અને ચુકાદાને લગતા પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. આ ઉપરાંત હિન્દીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી હિન્દીમાં અનુવાદ કરવાનું હતું. બિનઅનામત વર્ગ માટે પરીક્ષામાં ક્વોલીફાઇંગ માર્ક્સ 60 ટકા અને અનામત વર્ગના અરજદારો માટે 50 ટકા નક્કી કરવામાં આવ્યા હતા. પરીક્ષા પાસ કર્યા બાદ ઉમેદવારે ઈન્ટરવ્યુ આપવાનું હતું પરંતુ કમનસીબે એક પણ ઉમેદવાર પાસ થયો નથી.
હવે નવેસરથી ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
નોંધનીય છે કે સોમવાર, 13 ફેબ્રુઆરી 2023ના રોજ છત્તીસગઢ હાઇકોર્ટના જીલ્લા ન્યાયાધીશના 3 પદ માટે લેવાયેલી લેખિત પરીક્ષાનું પરિણામ હાઇકોર્ટની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં આશ્ચર્યજનક રીતે પરીક્ષા આપનાર 314 વકીલ ઉમેદવારમાંથી એક પણ અરજદાર પાસ થયો નથી. આવા કિસ્સામાં હવે નવેસરથી ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો કે એવી અપેક્ષા છે કે આ વખતે જાહેરાતમાં ન્યાયાધીશના પદની સંખ્યા વધારે હોઇ શકે છે.