દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવારે મુખ્યમંત્રી આતિશી માર્લેના અને AAP સાંસદ સંજય સિંહને માનહાનિના કેસમાં નોટિસ પાઠવી હતી. આ કેસ કોંગ્રેસના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે દાખલ કર્યો છે. સંદીપ દીક્ષિત નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. આ કેસની આગામી સુનાવણી 27 જાન્યુઆરી છે.
શું છે મામલો?
સંદીપ દીક્ષિતે આરોપ લગાવ્યો કે 26 ડિસેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેમની અને કોંગ્રેસ વિરુદ્ધ બદનક્ષીભર્યા આરોપો લગાવવામાં આવ્યા હતા. સંદીપ દીક્ષિતે કહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ નેતા (સંદીપ દીક્ષિત)એ માત્ર ભાજપ અને કોંગ્રેસ પાસેથી “કરોડો રૂપિયા” લીધા નથી પરંતુ આમ આદમી પાર્ટીને હરાવવા માટે ભાજપ સાથે મળીને કાવતરું ઘડી રહ્યા છે.
આતિશી અને સંજય સિંહની પ્રેસ કોન્ફરન્સ બાદ સંદીપ દીક્ષિતે આવા આરોપોને પાયાવિહોણા અને અપમાનજનક ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “જો તેમના દાવામાં થોડુ પણ સત્ય હોય તો ED અથવા CBI દ્વારા તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.” કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, “જો હું દોષિત હોઉં તો મારી ધરપકડ થવી જોઈએ અને કથિત રીતે સંડોવાયેલા ભાજપના નેતા સામે પણ કાર્યવાહી થવી જોઈએ.”
સંદીપ દીક્ષિતે આતિશી અને સંજય સિંહને તેમના આરોપોના સમર્થનમાં નક્કર પુરાવા રજૂ કરવા પડકાર ફેંક્યો હતો. બે વખત સાંસદ રહી ચૂકેલા દીક્ષિતે કહ્યું હતું કે AAP નેતાઓના નિવેદનો માત્ર તેમની ઈમાનદારી પર હુમલો નથી પરંતુ જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ છે.સંદીપ દીક્ષિતે કહ્યું હતું કે AAP નેતાઓના આ નિવેદનોએ તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં યોજાશે અને 8 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. વિધાનસભા ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 17 જાન્યુઆરી છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 18 જાન્યુઆરીએ થશે અને 20 જાન્યુઆરી સુધી નામો પરત ખેંચી શકાશે.