EVM Tampering: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોને ફગાવતા કોંગ્રેસે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) પર ઘણા સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે કેટલાક ઉમેદવારોએ પાર્ટીને જણાવ્યું કે જે ઈવીએમની બેટરી 99 ટકા ચાર્જ કરવામાં આવી હતી ત્યાં પાર્ટીને હાર મળી છે. જ્યારે જ્યાં ઈવીએમ બેટરી 60થી 70 ટકા સુધી ચાર્જ કરવામાં આવી હતી, ત્યાં કોંગ્રેસની જીત થઈ છે. પાર્ટીનું કહેવું છે કે તે આ મામલે ચૂંટણી પંચ પાસે જશે.
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ હરિયાણા ચૂંટણીના પરિણામો અંગે ટ્વિટર દ્વારા પોતાની ફરિયાદ નોંધાવી છે. આ પહેલીવાર નથી જ્યારે ઇવીએમ અંગે પ્રશ્નો ઉભા થયા છે. 90 સભ્યોની હરિયાણા વિધાનસભામાં ભાજપે 48 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 37 બેઠકો જીતી હતી. આઈએનએલડીએ બે બેઠકો જીતી છે અને ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. કોંગ્રેસની સરકાર બનવાની આશા હતી પરંતુ તેને ઝટકો લાગ્યો છે.
ઇવીએમને હેક ન કરી શકાય – ચૂંટણી પંચ
કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો પર આરોપ છે કે જ્યારે પણ ચૂંટણી પરિણામો તેમની વિરુદ્ધ આવે છે ત્યારે ઈવીએમ પર સવાલ ઉઠાવે છે, જ્યારે પણ તેઓ જીતે છે ત્યારે ઈવીએમને લઈને ચૂપ થઈ જાય છે. લોકસભા ચૂંટણી પહેલા જ વિપક્ષી રાજકીય પક્ષોએ ઈવીએમમાં ગરબડનો સવાલ ઉઠાવ્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો છે. જોકે ચૂંટણી પંચનું સ્પષ્ટ કહેવું છે કે ઈવીએમને હેક ન કરી શકાય. ચૂંટણી પંચે વિપક્ષી પાર્ટીઓના એ આરોપને પણ ફગાવી દીધો છે કે ઈવીએમ હેક થઈ શકે છે.
જોકે આ વખતે કોંગ્રેસે ઈવીએમ બેટરી કેટલી ચાર્જ છે તેને લઇને સવાલો ઉઠાવ્યા છે. આવી સ્થિતિમાં તે જાણવું મહત્વપૂર્ણ રહેશે કે ઇવીએમની બેટરી કેવી રીતે કાર્ય કરે છે, તેને બદલવાની પ્રક્રિયા શું છે?
ઇવીએમ અલ્કલાઇન બેટરી (વીજળીને બદલે) પર ચાલે છે. આ એટલા માટે કરવામાં આવે છે કે જ્યાં વીજળી નથી તેવા વિસ્તારોમાં પણ તેનો ઉપયોગ કરી શકાય. ચૂંટણી પંચ અનુસાર ઈવીએમના કંટ્રોલ યુનિટ (સીયુ)માં 7.5 વોલ્ટ કે 8 વોલ્ટનો પાવર પેક હોય છે અને ઈવીએમ સાથે જોડાયેલા વીવીપેટ યુનિટનું પોતાનું 22.5 વોલ્ટ પાવર પેક પણ છે.
ઈવીએમ બેટરી કોણ બનાવે છે?
ઇવીએમ બેટરીનું ઉત્પાદન ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (બીઇએલ) અને ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ઇસીઆઇએલ) દ્વારા કરવામાં આવે છે.
ચૂંટણી પંચ શું કહે છે?
ચૂંટણી પંચના એફએક્યુ વિભાગમાં જણાવાયું છે કે સીયુ અને વીવીપીએટીના પાવર પેકનું સમયાંતરે નિરીક્ષણ કરવામાં આવે છે અને કંટ્રોલ યુનિટ બેલેન્સ પાવરની સ્થિતિને ‘હાઈ’, ‘મીડિયમ’, ‘લો’, ‘માર્જિનલ’ અને ‘બેટરી રિપ્લેસમેન્ટ’ સાથે ટકાવારીમાં બેલેન્સ પાવર સ્ટેટસ દર્શાવે છે. જ્યારે કન્ટ્રોલ યુનિટ ‘બેટરી ચેન્જ’ દર્શાવે છે ત્યારે પાવર પેકને ‘રિઝર્વ’ પાવર પેક સાથે બદલવામાં આવે છે. આ ‘રિઝર્વ’ પાવર પેક સેક્ટર ઓફિસરો પાસે હોય છે.
આ પણ વાંચો – હરિયાણામાં ભાજપે કેવી રીતે બાજી પલટાવી? જાણો કોંગ્રેસની હારના મોટા કારણો
ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે સમગ્ર ચૂંટણી અને મતગણતરીની પ્રક્રિયા માટે નવી બેટરી પૂરતી હોય છે અને ક્યારેક ફરી ચૂંટણી થાય તો પણ તેનો ઉપયોગ થઈ શકે છે.
ડિસ્પ્લે યુનિટ જ્યાં સુધી બેટરીની વિદ્યુત ક્ષમતા 7.4 વોલ્ટ અને 8 વોલ્ટની વચ્ચે હોય ત્યાં સુધી 99 ટકા ચાર્જ દર્શાવે છે. પરંતુ જ્યારે બેટરીનું સ્તર 7.4 વોલ્ટથી નીચે આવે છે ત્યારે તે બેટરી જેટલી હોય તેટલી દર્શાવે છે. જ્યારે બેટરી 5.8 વોલ્ટ સુધી પહોંચે છે, ત્યારે ડિસ્પ્લે યુનિટ પર બેટરી બદલવાનો સંકેત દેખાય છે. ઈવીએમની બેટરી કેટલો સમય ચાલશે તે તેના ઉપયોગ પર નિર્ભર કરે છે.
ઇવીએમની બેટરી કેવી રીતે બદલવામાં આવે છે?
કોઈપણ ચૂંટણી પહેલા ફર્સ્ટ લેવલ ચેક કરતા સમયે ઈવીએમમાં નવી બેટરી લગાવવામાં આવે છે. રાજકીય પક્ષોને આ અંગે અગાઉથી જાણ કરવામાં આવે છે અને ઇવીએમના ચેકિંગ દરમિયાન તેમના પ્રતિનિધિઓ પણ હાજર રહી શકે છે.
મતદાનના દિવસે મતદારો મતદાન મથકની અંદર જાય તે પહેલા ઉમેદવારોના પોલિંગ એજન્ટોની હાજરીમાં મોકપોલ પણ યોજવામાં આવે છે. મતદાન દરમિયાન બેટરીનું લેવલ ઓછું હોય અને બેટરી બદલવાની હોય તો તે ઉમેદવારોના પોલિંગ એજન્ટોની હાજરીમાં જ કરવામાં આવે છે.
ઇસીઆઈ કહે છે જો કંટ્રોલ યુનિટનું પાવર પેક યોગ્ય રીતે કામ કરતું નથી અથવા બેટરી ઓછી દેખાય છે તો તેના પાવર પેકને બદલી નખાય છે. આ માટે પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ એજન્ટ અને સેક્ટર ઓફિસરની સામે કંટ્રોલ યુનિટનું પાવર પેક બદલીને તેના બેટરી સેક્શનને ફરીથી સીલ કરી દેશે અને તેમની સહી પણ લેશે.
અગાઉ પણ ઉઠી ચૂક્યા છે સવાલો
ગત વર્ષે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ સપા અને બસપાએ પણ ઈવીએમના ઉપયોગ પર સવાલ ઉઠાવ્યા હતા.