પેરિસ ઓલિમ્પિકમાં માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાને કારણે કુસ્તીબાજ વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર કરાતાં કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કેન્દ્ર સરકાર સામે આકરા સવાલ કર્યા છે. તેમણે કહ્યું કે, આખા દેશને આશા છે કે વિનેશ ફોગાટ ફરીથી ઉઠશે અને લડશે. પરંતુ ભારત સરકાર ચૂપ કેમ છે? આ મામલે ભારતીય ઓલિમ્પિક સંઘે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘ સાથે વાત કરવી જોઇએ. આ મેડલ માત્ર વિનેશ ફોગાટનો નહીં પરંતુ દેશનો છે.
વિનેશ ફોગાટ પર 17 લાખ રુપિયા ખર્ચ કરાયા હોવાના અંગે ખેલ મંત્રીએ આપેલા નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં તેમણે કહ્યું કે, શેરની ક્યારે હારતી નથી. વિનેશ ફોગાટે દેશ માટે બધું જ ન્યોછાવર કર્યું છે. તેણીએ નિવૃત્તિની જાહેરાત ભલે કરી પરંતુ મને આશા છે કે દેશની આ બેટી ઉઠશે અને જરુર લડશે. આ માત્ર મારી અને પરિવારની અપીલ નથી પરંતુ 140 કરોડ દેશવાસીઓની અપીલ છે.
મેડલ વિનેશ ફોગાટનો નહીં દેશનો
કેન્દ્ર સરકારના મૌન સામે નિશાન તાકતાં તેમણે કહ્યું કે, આ મામલે દેશની સરકાર મૌન ધારણ કરી કેમ બેઠી છે. નિયમ 11 કહે છે કે, જો વિનેશનું વજન 50 કિલો કરતાં ઓછું હતું તો જ તે કુસ્તી રમી શકી. જો બીજા દિવસે વજન વધે તો એને આગળના દિવસ માટે લાગુ કેવી રીતે કરી શકાય. આ મામલે ઓલિમ્પિક સંઘે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉગ્ર રજૂઆત કરવી જ જોઇએ. આ મેડલ માત્ર વિનેશનો નહીં પરંતુ સમગ્ર દેશનો છે.
આ પણ વાંચો – વિનેશ ફોગાટે જાહેર કરી નિવૃત્તિ
વિનેશ ફોગાટ સિલ્વર માટે હકદાર
ભારત સરકાર જો ઇચ્છે તો વિનેશ ને સિલ્વર મેડલ અપાવી શકે છે એવી માંગ કરતાં તેમણે કહ્યું કે, વિનેશ ગોલ્ડ મેડલની હકદાર છે. જો તેણી મેચ રમતી તો ગોલ્ડ લાવતી અને જો હારતી તો પણ સિલ્વર મેડલ તો જરુર આવતો. સિલ્વર મેડલ માટે પુરો હક છે. આ મામલે ઓલિમ્પિક એસોસિએશને અપીલ કરી મેડલ પરત લાવી શકે છે.





