Congress Working Committee: કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક કર્ણાટકના બેલગાવીમાં શરુ થઇ ગઇ છે. આ પહેલા નેતાઓના સ્વાગત માટે પોસ્ટર અને બેનર લગાવવામાં આવ્યા હતા. જેના કારણે વિવાદ ઉભો થયો છે. આરોપ છે કે પાર્ટીના કાર્યકર્તાઓએ બેનર અને ફ્લૈક્સમાં ભારતનો નકશો વિકૃત સ્વરૂપે રજૂ કર્યો છે.
બેલગાવી શહેરના પ્રવેશ દ્વાર પર લગાવેલા બેનરોમાં ભારતનો નકશો જોવા મળે છે, જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) અને અક્સાઇ ચીનનો વિસ્તાર ગાયબ બતાવવામાં આવ્યો છે. આ મામલે ભાજપે જોરદાર પ્રહાર કર્યો છે. આ સાથે જ કોંગ્રેસને નવી મુસ્લિમ લીગ કહેવામાં આવી છે.
26-27 ડિસેમ્બરે બેલગાવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક
26-27 ડિસેમ્બરે બેલગાવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક મળવાની છે. કોંગ્રેસ પાર્ટી આ વર્ષને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનના શતાબ્દી વર્ષ તરીકે ઉજવી રહી છે, જેની સ્થાપના 1924માં થઈ હતી. આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી, રાહુલ, પ્રિયંકા સહિત પાર્ટીના તમામ મોટા નેતાઓ હાજર રહેવાના છે.
ભાજપે કોંગ્રેસ પર ભારતના નક્શાને વિકૃત કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ ગુરુવારે કોંગ્રેસ પાર્ટી પર બેલગાવી સંમેલનમાં વિકૃત ભારતીય નકશાઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. સુધાંશુ ત્રિવેદીએ ભાજપના કર્ણાટક રાજ્ય એકમના ‘બીજેપી4કર્ણાટક’ ના સોશિયલ મીડિયા પોસ્ટનો ઉલ્લેખ કરતી વખતે આ આરોપ લગાવ્યો હતો.
બીજેપી4કર્ણાટકના સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે કર્ણાટક કોંગ્રેસે બેલગાવીના કાર્યક્રમમાં કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ બતાવતો વિકૃત નકશો પ્રદર્શિત કરીને ભારતના સાર્વભૌમત્વનો ઘોર અનાદર દર્શાવ્યો છે. આ બધું ફક્ત તેમની વોટબેંકને ખુશ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. આ શરમજનક વાત છે!”
ભાજપે કોંગ્રેસ પર કર્યો પ્રહાર
ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસનો સંબંધ એવી શક્તિઓ સાથે જે ભારતને તોડવાનો પ્રયાસ કરી રહી છે. એક પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ આ ઘટના પર પોતાનું દુ:ખ વ્યક્ત કરતા કહ્યું હતું કે જ્યારે દેશ વીર બાલ દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ “વિકૃત નકશા” નો ઉપયોગ કરી રહી છે જે “હૃદયને દુ:ખ પહોંચાડે છે.
સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે આજે આપણો દેશ વીર બાળ દિવસની ઉજવણી કરી રહ્યો છે. પરંતુ આ વખતે એક બીજી તસવીર સામે આવી છે જે આપણા દિલને દુખી કરી રહી છે. ભાજપ કર્ણાટકે એક ટ્વિટ પોસ્ટ કર્યું છે જેમાં જોઈ શકાય છે કે બેલાગવીમાં કોંગ્રેસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમના દ્વારા મુકવામાં આવેલા ભારતીય નકશામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને અક્સાઈ ચીન બતાવવામાં આવ્યું નથી. તેઓ ભૂતકાળમાં પણ આવું કરી ચુક્યા છે.
આ પણ વાંચો – નરેન્દ્ર મોદી – નડ્ડા ચર્ચ પહોંચ્યા, ઇસાઇ સમુદાય સુધી પહોંચ વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે ભાજપ
મહત્વની વાત એ છે કે તેમણે મહાત્મા ગાંધીની તસવીર સાથે તેને લગાવી છે. તેથી હું મારું દર્દ વ્યક્ત કરવા માંગુ છું. એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસનો સંબંધ એવી શક્તિઓ સાથે છે જે ભારતને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કોંગ્રેસે આ મામલે પોતાને દૂર રાખતા કહ્યું કે આ કોંગ્રેસના સત્તાવાર બેનર નથી. કોંગ્રેસના એમએલસી નાગરાજ યાદવે કહ્યું કે આ કોંગ્રેસના સત્તાવાર બેનરો નથી, કેટલાક અનુયાયીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. નેતાઓને આવકારવા માટે કેટલાક શુભેચ્છકો કે અનુયાયીઓ બેનરો લગાવે તો તેઓ સરકારની સલાહ લેતા નથી.