અંકિત રાજ | Corruption Issue in Lok Sabha Elections : લોકસભા ચૂંટણી 2024 માં ભ્રષ્ટાચાર મોટો મુદ્દો બની રહ્યો છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટીનો તો નારો છે, “મોદી કહે છે ભ્રષ્ટાચાર દૂર કરો, વિપક્ષ કહે છે ભ્રષ્ટાચારીઓને બચાવો” સૂત્ર આપ્યું છે.
નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દાવો કરે છે કે, તેણે ભ્રષ્ટાચારને ઘટાડવા માટે ઘણા પગલાં અપનાવ્યા છે, જેમ કે યોજનાઓનું ડિજિટલાઇઝેશન, કાયદાઓમાં ફેરફાર વગેરે.
પરંતુ એક ચિંતાજનક હકીકત એ પણ છે કે, આ સરકારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટમાં કરેલા સુધારા બાદ ભ્રષ્ટાચારના આરોપી અધિકારીઓ સામે કાર્યવાહી કરવી મુશ્કેલ બની ગઈ છે.
ઉદાહરણ તરીકે, મહારાષ્ટ્રના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) કથિત નાણાકીય ગેરરીતિઓ સંબંધિત બે તૃતીયાંશ કેસોમાં આરોપી અધિકારીઓ સામે તપાસ શરૂ કરવામાં અસમર્થ છે કારણ કે, રાજ્ય સરકાર અથવા સંબંધિત વિભાગ તરફથી મંજૂરી મળી રહી નથી. ઘણા તપાસ કેસ મહિનાઓ અને કેટલાક વર્ષોથી પેન્ડિંગ પડ્યા છે.
547 કેસમાંથી માત્ર 51 ને જ મંજૂરી મળી છે
ધ ઈન્ડિયન એક્સપ્રેસના મોહમ્મદ થાવરે રાજ્ય એસીબી પાસેથી મળેલા ડેટાનું વિશ્લેષણ કર્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે, કાયદામાં ફેરફારથી લઈને માર્ચ 2024 સુધી, એસીબીએ નાણાકીય ગેરરીતિઓને લગતા 547 કેસોમાં તપાસની માંગ કરી છે, જેમાંથી માત્ર 51 ને મંજૂરી મળી છે. 126 કેસમાં અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. તો 31 માર્ચ સુધી મંજૂર કેસ સહિત 354 કેસની તપાસ થઈ શકી નથી.
રાજ્યમાં બાકી રહેલી 354 મંજૂરીઓમાંથી 210 વરિષ્ઠ અધિકારીઓ સાથે સંબંધિત છે અને 144 અરજીઓ સરકારી વિભાગ સમક્ષ પેન્ડિંગ છે, જ્યાં કર્મચારી કામ કરે છે. આ 354 કેસોમાંથી બેને બાદ કરતાં એસીબીને ચાર મહિનાથી વધુ સમયથી રાજ્ય કે સંબંધિત વિભાગ તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

જ્યારે આ બધું ચાલી રહ્યું હતું, ત્યારે રાજ્યમાં ભાજપ + શિવસેના, મહા વિકાસ અઘાડી (શિવસેના + કોંગ્રેસ + એનસીપી) અને ભાજપ + શિવસેના (શિંદે) + એનસીપી (અજિત પવાર) જેવી વિવિધ ગઠબંધન સરકારો હતી.
ACBના હાથ કેમ બંધાયેલા છે?
જુલાઈ 2018 પહેલા એસીબી સરકારની મંજૂરીની રાહ જોતી ન હતી. પ્રાથમિક તપાસ શરૂ થતાં જ એફઆઈઆર નોંધાઈ શકતી હતી. પરંતુ જુલાઈ 2018 માં, કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમમાં કલમ 17(A) દાખલ કરી. આ સુધારા બાદ પોલીસ સીધો કેસ નોંધી શકતી નથી, તેના માટે સંબંધિત વિભાગ અથવા રાજ્ય સરકારની મંજૂરી લેવી જરૂરી બની હતી.
સુધારા મુજબ, અરજી મળ્યા પછી, સરકારે ત્રણ મહિનામાં તેનો નિર્ણય આપવો પડે છે. સરકાર લેખિતમાં કારણો આપીને એક મહિનાનો વધારાનો સમય લઈ શકે છે.
મહારાષ્ટ્ર એસીબીના એક અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “મંજૂરી આપવા માટે મહત્તમ ચાર મહિનાનો સમય હોવા છતાં, જો સમયમર્યાદાનું પાલન ન કરવામાં આવે તો, શું પગલાં લઈ શકાય તે કાયદામાં ઉલ્લેખ નથી. તેથી, વિલંબ છતાં, અમે તેના વિશે કઈ કરી શકતા નથી.
ભાજપ અને ભ્રષ્ટાચાર
નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારનો દાવો છે કે, તેમના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો છે. પરંતુ વિપક્ષનો આરોપ છે કે, મોદી સરકારમાં માત્ર ભ્રષ્ટાચાર જ નથી વધ્યો પરંતુ, શાસક ભાજપે પણ મોટા પાયે ભ્રષ્ટાચારના આરોપીઓને પોતાની પાર્ટીમાં સ્થાન આપ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપને ‘ફુલ્લી ઓટોમેટિક વોશિંગ મશીન’ ગણાવીને કટાક્ષ કર્યો છે. વાસ્તવમાં, કોંગ્રેસ અધ્યક્ષે ઈન્ડિયન એક્સપ્રેસના જે ઈન્વેસ્ટીગેશન અહેવાલને શેર કરી ભાજપ પર કટાક્ષ કર્યો છે, તેમાં કહેવામાં આવ્યું છે કે, મોદી વડાપ્રધાન બન્યા બાદથી ભાજપમાં સામેલ થનારા અથવા સહયોગી બનનાર ભ્રષ્ટાચારના આરોપી 25 વિપક્ષી નેતાઓમાંથી 23 ને રાહત મળી ગઈ છે.
વિપક્ષમાંથી રાહત મેળવીને ભાજપમાં સામેલ થનારાઓમાં 10 પૂર્વ કોંગ્રેસીઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પૂર્વ શિવસેના, પૂર્વ એનસીપી, પૂર્વ ટીએમસી, પૂર્વ ટીડીપી, પૂર્વ એસપી અને વાયએસઆરપી નેતાઓએ પણ ભાજપમાં જોડાયા બાદ રાહત મેળવી છે.
બીજેપી લોકસભા ચૂંટણી 2024 માટે અન્ય પક્ષોના કલંકિત નેતાઓને પણ મેદાનમાં ઉતારી રહી છે, જેમ કે CBI અને ED એ નવીન જિંદાલ સામે ચાર્જશીટ દાખલ કરી છે, પરંતુ થોડા દિવસો પહેલા તેઓ ભાજપમાં જોડાયા કે, તરત જ પાર્ટીએ તેમને લોકસભામાં ટિકિટ આપી.
વિગતવાર જાણવા માટે નીચેના ન્યુઝ પર ક્લિક કરો :
ભારત અને ભ્રષ્ટાચાર

જાન્યુઆરી 2024 માં કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ-2023 નો ડેટા બહાર પાડવામાં આવ્યો હતો. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ દ્વારા બહાર પાડવામાં આવેલ આ રિપોર્ટ દર્શાવે છે કે, ભારત વિશ્વનો 93 મો સૌથી ભ્રષ્ટ દેશ છે. આ યાદીમાં કુલ 180 દેશો સામેલ છે. ઇન્ડેક્સ દેશોને તેમના સરકારી ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના સ્તરના આધારે રેન્ક આપે છે. આ યાદીમાં સૌથી ઓછા ભ્રષ્ટાચારના મામલામાં ડેનમાર્ક ટોચ પર છે, ત્યારબાદ ફિનલેન્ડ, ન્યુઝીલેન્ડ અને નોર્વે છે.
આ ઇન્ડેક્સ 0 થી 100 સુધીના સ્કેલનો ઉપયોગ કરે છે, જ્યાં 0 ‘અત્યંત ભ્રષ્ટ’ અને 100 ‘ભ્રષ્ટાચાર મુક્ત’ દર્શાવે છે. 2023 માં ભારતનો કુલ સ્કોર 39 હતો, જ્યારે 2022 માં તે 40 હતો. ભારતનો રેન્ક 2022 માં 85 મો હતો જે 2023માં 93 મો થઈ ગયો. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના રિપોર્ટ અનુસાર મોદી સરકારના 9 વર્ષમાં (2014-2023)માં ભ્રષ્ટાચારમાં બે પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે.