Delhi Assembly Election Result 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ શનિવારે (8 ફેબ્રુઆરીએ)જાહેર કરવામાં આવશે. આમ આદમી પાર્ટી અને ભાજપ બન્ને જીતનો દાવો કરી રહ્યા છે. દિલ્હીની ચૂંટણી માટે મતદાન કર્યા બાદ જાહેર થયેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપની જીતની આગાહી કરવામાં આવી છે. એક્ઝીટ પોલથી ભાજપ પણ ઉત્સાહિત છે, જ્યારે આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે કે જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે આ તમામ ભવિષ્યવાણીઓ ખોટી સાબિત થશે.
સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. સવારે 8.30 વાગ્યે ઈવીએમ ખોલવામાં આવશે. મતગણતરી કેન્દ્રો પર સીસીટીવી લગાવવામાં આવ્યા છે. અધિકૃત કર્મચારીઓની સાથે મીડિયાને પણ મતગણતરી કેન્દ્રની અંદર મંજૂરી આપવામાં આવશે.
અરવિંદ કેજરીવાલે શુક્રવારે આપના ઉમેદવારો સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે મીડિયાને જણાવ્યું કે આપના તમામ ધારાસભ્યોની એક બેઠક મળી હતી જેમાં તમામ ઉમેદવારોએ પોતાના રિપોર્ટ આપ્યા હતા. તેમના રિપોર્ટ મુજબ આપ લગભગ 50 સીટો પર જીત મેળવશે અને 7-8 સીટો પર ટક્કર થશે.
આ પણ વાંચો – દિલ્હી ચૂંટણી એક્ઝિટ પોલ પરિણામ કેટલા સટીક? જાણો સર્વેક્ષણ આગાહી
2020માં કોને કેટલી બેઠકો મળી હતી
દિલ્હીમાં 2020ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 62 બેઠકો મળી હતી. જ્યારે ભાજપને 8 બેઠકો મળી હતી. કોંગ્રેસને એકપણ બેઠક મળી ન હતી.
મતગણતરીના દિવસે સુસ્ત સુરક્ષા વ્યવસ્થા
અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની મતગણતરીને ધ્યાનમાં રાખીને, 19 મતગણતરી કેન્દ્રો માટે અર્ધસૈનિક દળોની બે કંપનીઓ અને દિલ્હી પોલીસની બે કંપનીઓ સહિત ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરીના દિવસે સુરક્ષા વ્યવસ્થા વિશે પૂછવામાં આવતા વિશેષ પોલીસ કમિશનર દેવેશચંદ્ર શ્રીવાસ્તવે કહ્યું કે, “અમે (મતગણતરીના દિવસે) કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. મતગણતરી કેન્દ્રોની અંદર ફક્ત અધિકૃત કર્મચારીઓને જ મંજૂરી આપવામાં આવશે જ્યાં મોબાઇલ ફોનના ઉપયોગ પર કડક પ્રતિબંધ રહેશે.