Delhi Cabinet Portfolio Allocation : રેખા ગુપ્તાએ ગુરુવારે રામલીલા મેદાનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ તેમને પદના શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી રેખા ગુપ્તાના મંત્રીમંડળમાં પ્રવેશ વર્મા, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર કુમાર ઇન્દ્રાજ, આશિષ સૂદ અને પંકજ કુમાર સિંહને પણ સામેલ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં ભાજપ સરકારના શપથ લીધા બાદ મંત્રીઓમાં વિભાગો વહેંચાઈ ગયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીએમ રેખા ગુપ્તાએ હોમ અને ફાઈનાન્સ પોર્ટફોલિયો પોતાની પાસે રાખ્યા છે. આમ આદમી પાર્ટી (આપ)ના પ્રમુખ અરવિંદ કેજરીવાલને હરાવનાર પ્રવેશ સાહિબ સિંહ વર્માને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તેમને શિક્ષણ, પરિવહન અને પીડબલ્યુડીની જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્યમંત્રી પદની રેસમાં પ્રવેશ વર્માનું નામ સૌથી આગળ હતું. જોકે ભાજપે રેખા ગુપ્તાને પસંદ કર્યા હતા.
આશિષ સૂદ અને કપિલ મિશ્રાને મળી મહત્વની જવાબદારી
રવિન્દ્ર કુમાર ઇન્દ્રાજને સમાજ કલ્યાણ, એસસી-એસટી મામલા અને શ્રમ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે. કરાવલ નગરથી ભાજપના ધારાસભ્ય અને દિલ્હીના મંત્રી કપિલ મિશ્રાને જળ, પર્યટન, કલા અને સંસ્કૃતિનો વિભાગ સોંપવામાં આવ્યો છે.
શીખ ચહેરા મનજિંદર સિંહ સિરસાને આરોગ્ય, શહેરી વિકાસ અને ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે. પંકજ કુમાર સિંહને કાયદા, કાયદાકીય બાબતો અને આવાસનો હવાલો સોંપવામાં આવ્યો છે. ભાજપના નેતા આશિષ સૂદને મહેસૂલ, પર્યાવરણ, અન્ન અને નાગરિક પુરવઠાનો હવાલો સોંપાયો છે.
રેખા ગુપ્તા યમુના આરતીમાં સામેલ થયા
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પોતાના કેબિનેટ મંત્રીઓ સાથે યમુનાની આરતીમાં સામેલ થયા હતા. આ આરતી વાસુદેવ ઘાટ પર થઇ હતી. આ દરમિયાન ભાજપના ઘણા નેતા હાજર રહ્યા હતા.
આ પણ વાંચો – રેખા ગુપ્તાની સફર આસાન નહીં હોય, નવી સરકારની સામે આ 4 મોટા પડકારો હશે
ભાજપે ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવી હતી
5 ફેબ્રુઆરીએ યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ શાનદાર જીત મેળવી હતી. અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીના દશકાથી ચાલી રહેલા શાસનનો અંત આણતા ભાજપ પાર્ટીએ 70માંથી 48 બેઠકો જીતી હતી. આપ પાર્ટીને માત્ર 22 સીટોથી જ સંતોષ માનવો પડ્યો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પોતાનું ખાતું પણ ખોલાવી શકી ન હતી.
મદનલાલ ખુરાના, સાહિબ સિંહ વર્મા અને સુષ્મા સ્વરાજ બાદ રેખા ગુપ્તા દિલ્હીના ભાજપના ચોથા મુખ્યમંત્રી છે. 50 વર્ષની ઉંમરે તેમને ભાજપ શાસિત વર્તમાનમાં તમામ રાજ્યોમાં એકમાત્ર મહિલા મુખ્યમંત્રી તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયું છે.





