Arvind Kejriwal Arrest : દિલ્હીના કથિત દારૂ કૌભાંડના કેસમાં ઈડીએ બે સપ્તાહ પહેલા જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી દરમિયાન ઈડીનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ ASG એસવી રાજુએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ઇડી હવે આમ આદમી પાર્ટીની સંપત્તિ પણ અટેચ કરી શકે છે. મામલામાં મની ટ્રેલની સાબિતી છે.
હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન ઈડી તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી)એ કોર્ટને કહ્યું છે કે અમે આમ આદમી પાર્ટીની કેટલીક સંપત્તિઓ જપ્ત કરી શકીએ છીએ. જો ઈડી આ સંપત્તિને ટાંચમાં લેશે તો લોકસભા ચૂંટણીથી તેને પહેલો મોટો ઝટકો લાગી શકે છે.
આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલની ધરપકડને ચૂંટણી પહેલા રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત ગણાવી હતી. ઇડીના પ્રારંભિક સમન દરમિયાન અરવિંદ કેજરીવાલે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારનો હવાલો આપીને ઇડી સમક્ષ હાજર થવાનો ઇન્કાર કરી દીધો હતો.
આપ ચૂંટણીનો મુદ્દો ઉઠાવી કરશે સવાલ
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન એએસજી રાજુએ ઈડીની સંભવિત કાર્યવાહી અને આપની દલીલો પર વધુ એક મોટું નિવેદન પણ આપ્યું હતું. પ્રોપર્ટી ટાંચમાં લેવા અંગે તેમણે કહ્યું કે જો અમે આમ કરીશું તો તેઓ કહેશે કે આ બધું ચૂંટણી સમયે થયું હતું, જો અમે નહીં કરીએ તો તેઓ કહેશે કે પુરાવા ક્યાં છે. તેમણે કહ્યું કે અમે હાલ આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો – અરવિંદ કેજરીવાલને તિહાડ જેલ મોકલ્યા, હવે જેલમાં આવું રહેશે રૂટીન
કેજરીવાલ વિરુદ્ધ તપાસ અંગે ઈડીએ કહ્યું કે દારૂ કૌભાંડમાં કેજરીવાલની ભૂમિકાની તપાસ હજુ પૂરી થઈ નથી. આ દરમિયાન એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, આ ધરપકડ રદ નહીં પરંતુ જામીન અરજી છે. ઈડીએ અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યો છે કે તેમણે આ કૌભાંડના પૈસાનો ઉપયોગ આમ આદમી પાર્ટી માટે ગોવા ચૂંટણી પ્રચાર માટે કર્યો છે.
ઇડીએ એમ પણ કહ્યું છે કે કેજરીવાલ એક્સાઇઝ પોલિસી 2021-22ના નિર્માણમાં સીધી રીતે સામેલ હતા. ઇડીએ તેમને દારૂ કૌભાંડનો મુખ્ય કિંગપીન પણ કહ્યા છે.





