Delhi Red Fort Blast: દિલ્હીના લાલ કિલ્લા નજીક આઈ-20 કાર બ્લાસ્ટે રાજધાની જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. શરૂઆતમાં દિલ્હી પોલીસની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી હતી, પરંતુ હવે ગૃહ મંત્રાલયે વિસ્ફોટની તપાસ એનઆઈએને સોંપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાર ચલાવતા શંકાસ્પદ વ્યક્તિનું નામ ઉમર નબી છે, જેનું સીધું કનેક્શન જમ્મુ-કાશ્મીરથી જણાવવામાં આવી રહ્યું છે.
સુરક્ષા એજન્સીઓના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે ઉમર નબીની માતાના ડીએનએ પુલવામાથી એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને રાષ્ટ્રીય રાજધાનીની લોક નાયક હોસ્પિટલમાં પડેલા અજાણ્યા મૃતદેહો સાથે મેચ કરવામાં આવશે. પુલવામા સ્થિત નબીના ગામમાં, તેના પરિવાર અને સ્થાનિક અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેની માતાને લઇ જવામાં આવ્યા છે જેથી તેમના ડીએનએ નમૂના એકત્રિત કરી શકાય.
એજન્સીઓ ઉમર નબી અને મુજમ્મિલ વચ્ચેનું કનેક્શન શોધી રહી છે
આ ઘટના એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે જમ્મુ-કાશ્મીર પોલીસને શંકા છે કે નબી તે વ્યક્તિ છે જેણે બોમ્બ વિસ્ફોટ કર્યો હતો અને સીસીટીવી ફૂટેજમાં વાહન ચલાવી રહ્યો હતો. ઉમર નબી કોઇલ ગામનો રહેવાસી છે, જે ડો.મુજમ્મિલ અહમદ ગનઈનું હોમટાઉન પણ છે.
કથિત આતંકવાદી મોડ્યુલના સંબંધમાં મુજમ્મિલની ફરીદાબાદથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ફરીદાબાદના ધૌજ ગામમાં ગનઈના ભાડાના મકાનમાંથી 358 કિલો વિસ્ફોટકો કબજે કર્યા હતા. જે એમોનિયમ નાઇટ્રેટ હોવાની આશંકા છે.
માતાના ડીએનએ ટેસ્ટથી કન્ફર્મ થશે
સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને શખ્સો અલ ફલાહ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં કામ કરી રહ્યા હતા. વિસ્ફોટના કિસ્સાઓમાં જ્યારે મૃતદેહો ક્ષત-વિક્ષત અથવા ઓળખાય તેવા ન હોય ત્યારે તપાસકર્તાઓ શંકાસ્પદ અથવા પીડિતોને ઓળખવા માટે ડીએનએ પ્રોફાઇલિંગનો આશરો લે છે.
આ પણ વાંચો – રાજધાની દિલ્હીમાં ક્યારે-ક્યારે થયા બ્લાસ્ટ, જાણો પુરી ટાઇમલાઇન
આ કિસ્સામાં લોક નાયક હોસ્પિટલમાં અજાણ્યા મૃતદેહો સાથે નબીની માતાના ડીએનએ મેચ કરીને તે પુષ્ટિ કરી શકાય છે કે શંકાસ્પદ વિસ્ફોટમાં માર્યો ગયો છે કે હજુ પણ ફરાર છે.
અનેક લોકોની અટકાયત
જમ્મુ-કાશ્મીર પોલીસના સૂત્રોએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું છે કે આ વિસ્ફોટ સંભવતઃ ફરીદાબાદમાં પકડાયેલા એક જ આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય મોડ્યુલ દ્વારા કરવામાં આવ્યો હતો. સૂત્રોએ ઈન્ડિયન એક્સપ્રેસને એમ પણ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર પોલીસે પૂછપરછ માટે સોમવાર રાતથી પુલવામાના વિવિધ ગામોના ઓછામાં ઓછા પાંચ લોકોની અટકાયત કરી છે
તેમાં પુલવામાના સંબુરા ગામનો રહેવાસી આમિર રશિદ પણ છે, જે કથિત રીતે કારનો હાલનો માલિક છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસે તેના ભાઈની પણ પૂછપરછ માટે અટકાયત કરી છે.





