Delhi Red Fort metro explosion: દિલ્હીના લાલ કિલ્લા નજીક બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ ઘટનામાં નવ લોકોના મોત થયા છે અને 24 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં ભારે ભીડ હતી. સાંજે લાલ કિલ્લા વિસ્તારમાં ભારે ભીડ હોય છે અને લોકો ફરવા માટે આવે છે. આ ઘટના લાલ કિલ્લાના મેટ્રો ગેટ નંબર 1 નજીક બની હતી. દિલ્હી ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 નજીક એક કારમાં વિસ્ફોટ થયો હતો. આ પછી ત્રણથી ચાર વાહનોમાં પણ આગ લાગી હતી અને તેને નુકસાન થયું હતું.
ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું
લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા વિસ્ફોટ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ઘટનાની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે અને તમામ પાસાઓ પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. આજે સાંજે 7 વાગ્યે દિલ્હીના લાલ કિલ્લા નજીક સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર એક હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો હતો. કેટલાક રાહદારીઓ ઇજાગ્રસ્ત થયા હતા અને અનેક વાહનોને નુકસાન થયું હતું. પ્રાથમિક અહેવાલો દર્શાવે છે કે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિસ્ફોટની માહિતી મળતાં દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ બ્રાન્ચની ટીમો 10 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ NSG, NIA અને FSLની ટીમો પણ પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. નજીકના તમામ CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે દિલ્હી પોલીસ કમિશનર અને સ્પેશિયલ બ્રાન્ચના વડા સાથે વાત કરી છે, જે બંને હાલમાં ઘટનાસ્થળે હાજર છે.
દિલ્હી પોલીસ કમિશનર શું કહ્યું
NIA-NSG ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને તપાસ શરુ કરી છે. દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ જણાવ્યું કે આજે સાંજે લગભગ 6.52 વાગ્યે એક ધીમી ગતિથી આવી રહેલી ગાડી લાલ લાઇટ પર રોકાઇ હતી.
તે ગાડીમાં વિસ્ફોટ થયો હતો, જેનાથી નજીકના વાહનોને પણ નુકસાન થયું હતું. બધી એજન્સીઓ, FSL, NIA અહીં હાજર છે. ઘટનામાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે અને કેટલાક ઘાયલ થયા છે. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ગૃહમંત્રીનો પણ ફોન આવ્યો છે અને સમયાંતરે તેમની સાથે માહિતી શેર કરવામાં આવી રહી છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ચાંદની ચોક સર્વ વ્યાપાર મંડળ (વેપારી સંગઠન) ના પ્રમુખ સંજય ભાર્ગવે કહ્યું તે એક જોરદાર વિસ્ફોટ હતો, તેના આંચકા 700 થી 900 મીટર દૂર સુધી અનુભવાઈ રહ્યા હતા. ઇમારતો એવી રીતે હલી રહી હતી જાણે ભૂકંપ આવ્યો હોય. રસ્તા પર મૃતદેહો પડ્યા હતા. કોઈનો હાથ એક જગ્યાએ, કોઈનું માથું બીજી જગ્યાએ હતું.
આ પણ વાંચો – જૈશના પોસ્ટર, ફરીદાબાદમાં 350 કિલો એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યું, કોણ છે ડૉ. આદિલ અહેમદ રાથર?
ઘટનાસ્થળે ઘણી એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઇ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટનામાં ઘણા વાહનોને નુકસાન થયું છે. સમગ્ર દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ, મુંબઈ, ગુજરાત અને હરિયાણામાં પણ હાઇ એલર્ટ જાહેર કરાયું છે.





