દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારના પુત્ર પાર્થ સાથે જોડાયેલા જમીન સોદાની તપાસના આદેશ આપ્યા

Maharashtra : આ સોદો પૂણે શહેરના મુંધવા વિસ્તારમાં કોરેગાંવ પાર્ક વિસ્તારની નજીક, 40 એકર જમીનનો છે. આ જમીન જેની કિંમત 1,800 કરોડ રુપિયા હોવાનું કહેવાય છે, તે કથિત રીતે અમેડિયા એન્ટરપ્રાઇઝિસ એલએલપીને 300 કરોડ રુપયામાં વેચવામાં આવી હતી, જેમાં પાર્થ પવાર ભાગીદાર છે

Written by Ashish Goyal
November 06, 2025 20:56 IST
દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારના પુત્ર પાર્થ સાથે જોડાયેલા જમીન સોદાની તપાસના આદેશ આપ્યા
દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારના પુત્ર પાર્થ સાથે જોડાયેલા જમીન સોદાની તપાસના આદેશ આપ્યા છે (તસવીર એક્સપ્રેસ)

Maharashtra : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે પૂણેના જમીન સોદામાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતાના આરોપોની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરી હતી, જેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુત્ર પાર્થ પવાર સાથે જોડાયેલી કંપનીનો સમાવેશ થાય છે. જ્યારે નાયબ મુખ્યમંત્રીએ તેમાં કોઈ ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો હતો. પૂણે જિલ્લા કલેક્ટરે કહ્યું છે કે વેચાણ કરાર રદ કરવામાં આવશે તેમ છતાં આ તપાસ અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) વિકાસ ખડગે દ્વારા કરવામાં આવશે.

આ સોદો પૂણે શહેરના મુંધવા વિસ્તારમાં કોરેગાંવ પાર્ક વિસ્તારની નજીક, 40 એકર જમીનનો છે. આ જમીન જેની કિંમત 1,800 કરોડ રુપિયા હોવાનું કહેવાય છે, તે કથિત રીતે અમેડિયા એન્ટરપ્રાઇઝિસ એલએલપીને 300 કરોડ રુપયામાં વેચવામાં આવી હતી, જેમાં પાર્થ પવાર ભાગીદાર છે. 21 કરોડ રુપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ માફી કરાઇ છે.

ફડણવીસે કહ્યું – મેં આ મુદ્દા અંગેની બધી માહિતી માંગી છે

સીએમ દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે મેં આ મુદ્દા અંગેની બધી માહિતી માંગી છે. મહેસૂલ વિભાગ અને IGR (રજિસ્ટ્રેશન મહાનિરીક્ષક) પાસેથી રેકોર્ડ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. મેં યોગ્ય તપાસ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. પ્રાથમિક સ્તરે ગંભીર મુદ્દાઓ સામે આવી રહ્યા છે. તેથી જરૂરી માહિતી મેળવ્યા પછી જ હું બોલીશ.”

તેમણે કહ્યું કે મારું માનવું છે કે નાયબ મુખ્યમંત્રી પણ આવા સોદાને સમર્થન નહીં આપે. કારણ કે સરકારમાં અમારી એકમતતા છે કે જ્યાં પણ અનિયમિતતા થઈ છે, ત્યાં કાર્યવાહી થવી જોઈએ. અમે ચકાસણી કરીશું કે અનિયમિતતા છે કે નહીં અને તે મુજબ પગલાં લઈશું.

પૂણે જિલ્લા કલેક્ટર જિતેન્દ્ર ડુડીએ જણાવ્યું હતું કે જમીનનો વેચાણ દસ્તાવેજ રદ કરવામાં આવશે. જમીનનો કબજો લેવામાં આવ્યો નથી. વેચાણ દસ્તાવેજ થઈ ગયો છે તે રદ કરવામાં આવશે. મેં IGR ને જમીનનો સોદો રદ કરવા કહ્યું છે. તહસીલદાર સુર્યકાંત યેવલેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જિલ્લા કલેક્ટરે કહ્યું કે શક્ય છે કે પક્ષકારોને ખબર ન હોય કે જમીન મહાર વતનની છે. આનું કારણ એ છે કે વેચાણ દસ્તાવેજમાં જમીન ખેતીની જમીન તરીકે ઓળખાઈ છે. જમીન હજુ પણ અમારા કબજામાં છે. તેમણે ઉમેર્યું કે વેચાણ દસ્તાવેજ કરવા માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જે સૌથી પહેલા દોષિત છે તે સબ-રજિસ્ટ્રારને લાગે છે. IGR એ પણ પુષ્ટિ આપી છે કે ભૂલ થઈ હતી. કલેક્ટરે કહ્યું કે ભલે તે અજાણતાં કે જાણી જોઈને થયેલી ભૂલ હોય આ કેસમાં સામેલ અધિકારીઓ દોષિત છે. તે બધાને કાર્યવાહીનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો – જેના નામનો ઉલ્લેખ થયો તેમણે સાચી ઓળખથી આપ્યો હતો મત, રાહુલ ગાંધીના આરોપની તપાસ

સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે તહસીલદાર સૂર્યકાંત યેવલેને સસ્પેન્ડ કરવાનો આદેશ પહેલાથી જ આપવામાં આવ્યો છે.આ દરમિયાન પાર્થ પવારે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે તેમણે કોઈ ખોટું કર્યું નથી. મેં કોઈ કૌભાંડ કર્યું નથી. મેં કંઈ ખોટું કર્યું નથી.

નાયબ મુખ્યમંત્રી અજિત પવારે શું કહ્યું

જમીન સોદામાં કોઈપણ ભૂમિકાનો ઇનકાર કરતા નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે મારી પાસે આ વિશે સંપૂર્ણ માહિતી નથી. મને તેની સાથે કોઈ લેવાદેવા નથી. મહારાષ્ટ્રના લોકો મને 35 વર્ષથી ઓળખે છે. મેં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાનું નક્કી કર્યું છે. આજ સુધી મેં ક્યારેય કોઈ અધિકારીને મારા કોઈ સંબંધી કે નજીકના લોકોને મદદ કરવા કહ્યું નથી. હું અધિકારીઓને કહેવા માંગુ છું કે જો કોઈ મારા નામનો ઉપયોગ કોઈપણ ગેરકાયદેસર કાર્યોમાં સામેલ કરવા માટે કરશે, તો તેને મારો ટેકો મળશે નહીં. મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશનું સ્વાગત કરતા અજિત પવારે કહ્યું કે મુખ્યમંત્રીએ તપાસનો આદેશ આપ્યો છે. આમ કરવું યોગ્ય છે.

શું છે વિવાદ

આરોપો અનુસાર પાર્થ પવાર અને દિગ્વિજય પાટીલની અમાડિયા એન્ટરપ્રાઇઝિસ એલએલપીએ કોરેગાંવ પાર્કમાં 40 એકર જમીન ખરીદી હતી જેને મહાર વતન જમીન તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. તે વારસાગત જમીન માલિકીનો ઉલ્લેખ કરે છે જ્યાં મહાર (અનુસૂચિત જાતિ) સમુદાયને ગામ વહીવટ માટે મજૂરી પૂરી પાડવા માટે ફરજ પાડવામાં આવતી હતી અને જમીન તેમને આપવામાં આવતી હતી. રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી વિના આવી જમીન વેચી શકાતી નથી.

વિપક્ષે શું કહ્યું

વિપક્ષનો આરોપ છે કે જમીનની કુલ કિંમત 1,800 કરોડ રૂપિયા હતી, પરંતુ તે પવારની કંપનીને માત્ર 300 કરોડ રૂપિયામાં વેચી દેવામાં આવી હતી, જેમાં સ્ટેમ્પ ડ્યુટીમાં માફીનો પણ સમાવેશ થાય છે.

જમીન સોદાનો મુદ્દો ઉઠાવતા શિવસેના (UBT) ના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું કે એક કંપની, જેની શેર ક્ષમતા માત્ર 1 લાખ રૂપિયા છે, તેણે 1,800 કરોડ રૂપિયાની જમીન માત્ર 300 કરોડ રૂપિયામાં ખરીદી છે. કંપની IT પાર્ક સ્થાપવાનો ઇરાદો ધરાવે છે. સબ-રજિસ્ટ્રાર ઓફિસે સ્ટેમ્પ ડ્યુટી માફ કરી દીધી છે.

જમીન સોદા અંગે સરકાર સ્પષ્ટતા કરે તેવી માંગ કરતા બારામતીના સાંસદ અને NCP(SP) ના નેતા સુપ્રિયા સુલેએ કહ્યું કે પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે 21 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી માફ કરવામાં આવી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે 6 કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા છે. સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી હતી કે નહીં? સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે સોદો થયો છે કે નહીં.

સુપ્રિયા સુલેએ કહ્યું જો લોકો કહે કે હું પાર્થને ટેકો આપી રહ્યો છું તો મને તેનાથી કોઈ વાંધો નથી. મેં આજે સવારે પાર્થ પવાર સાથે વાત કરી છે. તેમણે મને કહ્યું કે તેમણે કંઈ ખોટું કર્યું નથી. મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરવી જોઈએ. જો તહસીલદાર કહે કે તેમણે જમીનના સોદા પર હસ્તાક્ષર કર્યા નથી, તો શું સોદો થયો છે કે નહીં? તેઓ તહસીલદારને કેવી રીતે સસ્પેન્ડ કરી શકે?

મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકલએ અજિત પવારના રાજીનામાની માંગ કરી હતી, જેમણે તેમના પુત્રને હજારો કરોડની મિલકત નજીવી કિંમતે ખરીદવામાં મદદ કરવાનો આરોપ મૂક્યો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ