Dombivli Boiler Blast : ડોમ્બિવલી બોઈલર બ્લાસ્ટ : મહારાષ્ટ્રથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, આજે ગુરુવારે ડોમ્બિવલી ઈન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર એક કેમિકલ કંપનીમાં બોઈલર ફાટ્યા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે અને 48 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટનો અવાજ લગભગ 2-3 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.
કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડોમ્બિવલી પૂર્વમાં અમુદાન કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડમાં બપોરે લગભગ 1.30 વાગ્યે એક જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ 2થી 3 કિમીની ત્રિજ્યામાં સંભળાયો હતો અને વિસ્ફોટ બાદ બિલ્ડિંગની આસપાસના ઘરોના કાચ તૂટી ગયા હતા. એક રહેવાસીએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ કેમિકલ પ્લાન્ટ પર ધુમાડાના મોટા વાદળો ઉડતા જોવા મળ્યા હતા.
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC) ના ફાયર અધિકારી, જેઓ હાલમાં બચાવ કામગીરીમાં મદદ કરી રહ્યા છે, તેમણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “કંપનીના પરિસરમાં કેમિકલ હોવાના કારણે, વધુ બે વિસ્ફોટ થયા છે.” કંપનીના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટનો અવાજ સાંભળીને ઉદ્યોગની અંદર હાજર લોકો સમયસર નાસી છૂટવામાં સફળ થયા હતા. અમારું બચાવ કાર્ય ચાલુ છે.”
કેડીએમસીના ચીફ ફાયર ઓફિસર નામદેવ ચૌધરીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “બપોરે 1-1.30 વાગ્યાની આસપાસ આગની જાણ થઈ હતી. તે કેમિકલ ફેક્ટરી હોવાથી વિસ્ફોટ થયો અને આગ ફેલાઈ ગઈ. અમારી બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે અને KDMC એ ઓપરેશનમાં મદદ કરવા માટે લગભગ 10 ફાયર ગાડીઓ તૈનાત કરી છે.”
ટ્વિટર પરના એક સંદેશમાં, જેનો લગભગ મરાઠીમાંથી અનુવાદ કરવામાં આવ્યો છે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “ડોમ્બિવલી MIDC માં અમુદાન કેમિકલ કંપનીમાં બોઈલર વિસ્ફોટની ઘટના દુ:ખદ છે. આ ઘટનામાં શરૂઆતમાં આઠ લોકો ફસાયા હતા અને તેમને બચાવી લેવાયા છે. ઘાયલોની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને વધુ એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે. મેં કલેક્ટર સાથે વાત કરી છે અને તેઓ પણ 10 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. એનડીઆરએફ, ટીડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો બચાવ કાર્ય માટે તૈનાત કરવામાં આવી છે, હું ઘાયલોની ઝડપથી સાજા થવા માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
દુર્ઘટના પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી, અને અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ બચાવ કામગીરી પૂરી થયા પછી તેની તપાસ કરશે, 2016 માં, ડોમ્બિવલી MIDC વિસ્તારમાં એક કંપનીમાં આવો જ વિસ્ફોટ થયો હતો, જેમાં 12 લોકો માર્યા ગયા હતા.





