Donald Trump on Gaza Deal: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ-હમાસ યુદ્ધ માટે 20-મુદ્દાની ગાઝા શાંતિ યોજના ઘડી છે. ટ્રમ્પે અગાઉ આશા વ્યક્ત કરી હતી કે હમાસ તેને શક્ય તેટલી વહેલી તકે સ્વીકારશે, પરંતુ હવે હમાસે કોઈ જવાબ ના આપતાં ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે. ટ્રમ્પે હમાસને શાંતિ કરાર સ્વીકારવા માટે 48 કલાકનો અલ્ટીમેટમ આપ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જો હમાસ કરારનો ઇનકાર કરશે તો તેને કડક સજા ભોગવવી પડશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે હમાસે 7 ઓક્ટોબરે મહિલાઓ અને બાળકોનો નરસંહાર કર્યો હતો. તેના જવાબમાં 25,000 થી વધુ હમાસ આતંકવાદીઓ માર્યા ગયા છે. ઇઝરાયલી સેનાએ બાકીના આતંકવાદીઓને ઘેરી લીધા છે.
ટ્રમ્પે હમાસને ધમકી આપી હતી
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઇઝરાયલ સંમત થાય તો બાકીના હમાસ આતંકવાદીઓને પણ મારી નાખવામાં આવશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમને ખબર છે કે હમાસના સભ્યો ક્યાં છુપાયેલા છે. તેમણે કહ્યું હતું કે જો હમાસ શાંતિ કરાર સ્વીકારશે નહીં તો તેમનો શિકાર કરીને મારી નાખવામાં આવશે.
આ પણ વાંચો: ચીનમાં મળી 10 લાખ વર્ષ જૂની ખોપરી, જે બદલી શકે છે માનવ ઇતિહાસ
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જો હમાસ રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં ગાઝા પટ્ટી માટે પ્રસ્તાવિત શાંતિ કરાર માટે સંમત નહીં થાય તો ઉગ્રવાદી ગ્રુપને વધુ હુમલાઓનો સામનો કરવો પડશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, “રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં (વોશિંગ્ટન ડીસી સમય અનુસાર) હમાસ સાથે કરાર કરવો આવશ્યક છે. દરેક દેશે તેના પર હસ્તાક્ષર કર્યા છે!”