Election Commission: ચૂંટણી પંચે દેશના ઘણા રાજ્યોમાં ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયાના કામમાં રોકાયેલા બૂથ લેવલ ઓફિસર (બીએલઓ)ને મોટી ભેટ આપી છે. ચૂંટણી પંચે BLOનું મહેનતાણું 6000 રૂપિયાથી વધારીને 12000 રૂપિયા કરી દીધું છે. આ ઉપરાંત બીએલઓ સુપરવાઈઝરોના મહેનતાણામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
અગાઉ બીએલઓ સુપરવાઈઝરને 12000 રૂપિયા મળતા હતા, જે વધારીને 18000 રૂપિયા કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે શનિવારે સાંજે આ સંદર્ભે એક અખબારી યાદી બહાર પાડીને આ માહિતી આપી છે.
ઘણા સ્થાનો પર થયા છે BLO ના મોત
એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી મોટી સંખ્યામાં BLOના મૃત્યુના અહેવાલો આવી રહ્યા છે. ઘણી જગ્યાએ બીએલઓએ આત્મહત્યા પણ કરી હતી. તેમના પરિવારે આરોપ લગાવ્યો હતો કે કામના દબાણને કારણે તેમણે આવું આત્મઘાતી પગલું ભર્યું હતું.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને અન્ય નેતાઓએ બીએલઓના મોતનો મુદ્દો મોટા પાયે ઉઠાવ્યો હતો અને ચૂંટણી પંચને આ મામલે કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. તમામ ટીકાઓ વચ્ચે ચૂંટણી પંચે બીએલઓ અને બીએલઓ સુપરવાઈઝરોના મહેનતાણામાં વધારો કરવાનો મોટો નિર્ણય લીધો છે.
બીએલઓ કોણ છે?
BLO એ ક્યારેક ક્યારેક તમારા ઘરે અવશ્ય આવ્યા હશે. આ એ જ વ્યક્તિ છે જે તમારું મતદાર ઓળખપત્ર બનાવવાનું કામ કરે છે. આ સૌથી નીચેના સ્તરના ચૂંટણી અધિકારી હોય છે. દરેક BLO પાસે એક બૂથની જવાબદારી હોય છે, એટલે કે તે બૂથ પર જેટલા પણ મતદાન કરવા આવશે તેમની ખરાઇથી લઇને તેમના વોટર આઈડી કાર્ડની જવાબદારી તે BLO ની પાસે હોય છે. સામાન્ય રીતે પ્રાથમિક શાળાના શિક્ષકો અથવા આંગણવાડી કાર્યકરો બીએલઓની જવાબદારી સંભાળે છે.
આ પણ વાંચો – ચક્રવાત ‘દિત્વા’ તમિલનાડુ તરફ આગળ વધ્યું, શ્રીલંકામાં અત્યાર સુધીમાં 123 લોકોના મોત
બીએલઓ શું કરે છે?
બીએલઓ દરેક ઘરે જઇને એ સુનિશ્ચિત કરે છે કે ત્યાં કોઈ એવું તો નથીને જેની પાસે મતદાર કાર્ડ ન હોય. સ્થળાંતર કરનારા અથવા મૃત્યુ પામેલા લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાની જવાબદારી પણ BLO ની હોય છે. નકલી મતોને રોકવા અથવા તેની ફરિયાદ કરવાની પણ બીએલઓની જવાબદારી છે.
તણાવ કેમ વધી રહ્યો છે?
સવાલ એ છે કે બીએલઓની નોકરીમાં આટલો બધો તણાવ કેમ છે. જેમ કે અમે તમને પહેલેથી જ કહ્યું છે કે બીએલઓ પહેલેથી જ પોતાની નોકરી કરી રહ્યા હોય છે, આ નોકરી સાથે તેમણે બીએલઓનું કામ પણ કરવાનું હોય છે. આ જ કારણ છે કે ઘણી વખત આ કામ ખૂબ જ કંટાળાજનક બની જાય છે અને કર્મચારીઓ પર કામનું ભારણ બમણું થઈ જાય છે.
એસઆઈઆરમાં આ બીએલઓએ લોકોના ફોર્મ ચેક કરવાના હોય છે અને સંપૂર્ણ વેરિફિકેશન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમના કામમા ઘણો વધારો થયો છે, જેના કારણે ઘણા કર્મચારીઓ તણાવ અનુભવે છે. વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો છે કે કેટલાક બીએલઓ કામ અને વહીવટી દબાણને કારણે મૃત્યુ પામ્યા હતા. જોકે સરકારે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.





