આતંકવાદીઓને મારવાને બદલે સરકારે પકડીને તપાસ કરવી જોઈએ, ફારુક અબ્દુલ્લાના નિવેદન પર ભાજપે શું કહ્યું?

Farooq Abdullah : જમ્મુ કાશ્મીરમાં છેલ્લા થોડા દિવસોથી આતંકી હુમલાઓ વધી ગયા છે. નવી સરકારની રચના બાદ મજૂરો પર હુમલા બાદ ચિંતા વધી ગઇ છે. આ સમગ્ર મામલે નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાનું નિવેદન ખૂબ ચર્ચામાં છે

Written by Ashish Goyal
November 02, 2024 16:39 IST
આતંકવાદીઓને મારવાને બદલે સરકારે પકડીને તપાસ કરવી જોઈએ, ફારુક અબ્દુલ્લાના નિવેદન પર ભાજપે શું કહ્યું?
ફારુક અબ્દુલ્લા - Express file photo

Farooq Abdullah : જમ્મુ કાશ્મીરમાં છેલ્લા થોડાક દિવસોથી આતંકી હુમલાઓ વધી ગયા છે. નવી સરકારની રચના બાદ મજૂરો પર હુમલા બાદ ચિંતા વધી ગઇ છે. આ સમગ્ર મામલે નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાનું નિવેદન ખૂબ ચર્ચામાં છે. તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં હાલમાં થયેલા આતંકી હુમલા પાછળના માસ્ટરમાઇન્ડને શોધવા માટે આતંકીઓને મારવાને બદલે પકડવામાં આવે. તેમના આ નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે.

શું છે આખો કેસ?

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ એ વાત પર ભાર આપ્યો કે પકડાયેલા આતંકવાદીઓની પૂછપરછથી આ હુમલાઓ કરનારા નેટવર્ક વિશે નિર્ણાયક માહિતી મળી શકે છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે તેની તપાસ થવી જોઈએ. એવું કેવી રીતે થયું કે સરકાર આવી અને આ બધું થઈ રહ્યું છે? મને શંકા છે કે આ તે લોકો દ્વારા કરવામાં આવ્યું છે જેઓ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો તેઓ (આતંકવાદીઓ) પકડાય તો ખબર પડે કે આ કોણ કરી રહ્યું છે. તેમને મારવા ન જોઈએ, તેમને પકડીને પૂછવું જોઈએ કે તેમની પાછળ કોણ છે? આપણે તપાસ કરવી જોઈએ કે શું એવી કોઈ એજન્સી છે કે જે ઓમર અબ્દુલ્લા સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો – ઝારખંડમાં અત્યાર સુધી કોઇ એક દળને બહુમતી મળી નથી, ત્રણ વખત ભાજપ બની સૌથી મોટી પાર્ટી

તાજેતરમાં થયેલા બડગામ આતંકી હુમલા સહિત જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા માટે દરેક વખતે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવું જોઇએ કે કેમ તેવા સવાલના જવાબમાં અબ્દુલ્લાએ કહ્યું કે તેનો કોઇ સવાલ જ નથી, હું કહીશ કે તેની તપાસ થવી જોઇએ.

ફારૂક અબ્દુલ્લાના નિવેદનને ગંભીરતાથી લેવું જોઈએ: શરદ પવાર

ફારૂક અબ્દુલ્લાના નિવેદન પર એનસીપી (સપા)ના પ્રમુખ શરદ પવારે કહ્યું કે, કેન્દ્ર સરકારે ફારૂક અબ્દુલ્લાના નિવેદનને ગંભીરતાથી લેવું જોઈએ. ફારૂક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરનું સૌથી મોટા વ્યક્તિ છે. તેમણે જમ્મુ-કાશ્મીરના લોકોની સેવામાં પોતાનું જીવન વિતાવ્યું છે. મને તેમની ઇમાનદારી અને સત્યનિષ્ઠા વિશે કોઈ શંકા નથી. જો આવા નેતા નિવેદન આપી રહ્યા છે, તો કેન્દ્ર સરકારે ખાસ કરીને ગૃહ મંત્રાલયે, તેને ગંભીરતાથી લેવું જોઈએ અને પરિસ્થિતિને કેવી રીતે ઉકેલી શકાય તે અંગે કામ કરવું જોઈએ.

ભાજપે શું કહ્યું?

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી પર સવાલ ઉઠાવતા જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ રવિન્દર રૈનાએ કહ્યું કે ફારૂક અબ્દુલ્લાને ખબર છે કે આ આતંકવાદ પાકિસ્તાનથી આવી રહ્યો છે. તેમાં તપાસ કરવાનો શું અર્થ છે? તેઓ જાણે છે કે જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાન અને આતંકવાદી સંગઠનો સામેલ છે. આપણે બધાએ આપણી સેના, પોલીસ અને સુરક્ષા દળોનું સમર્થન કરવું જોઈએ. જે લોકો માનવતાના દુશ્મન છે તેમની સામે આપણે એક થઈને લડવું પડશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ