Francis Scott Key Bridge in Baltimore collapses : અમેરિકાના બાલ્ટીમોરમાં ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજનો એક ભાગ મંગળવારે વહેલી સવારે કન્ટેનર વોટર શિપ સાથે અથડાયા બાદ તૂટી પડ્યો હતો. આ કારણે અનેક વાહનો પાણીમાં પડ્યા હતા. સ્થાનિક મીડિયાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અકસ્માત સમયે પુલ પર કેટલાક વાહનો અને લોકો હતા. પાણીમાં અનેક કાર અને લોકો જોવા મળ્યા હતા. સમાચાર એજન્સી રોયટર્સે અહેવાલ આપ્યો છે કે બાલ્ટીમોર ફાયર ડિપાર્ટમેન્ટે અંદાજ લગાવ્યો છે કે પુલ તૂટી પડવાના કારણે વ્યાપક નુકસાન થયું છે. નદીમાં બચાવ કામગીરી ચાલી રહી છે.
બાલ્ટીમોર કી બ્રિજ સાથે એક જહાજ અથડાયું
બાલ્ટીમોર ફાયર વિભાગના સંદેશાવ્યવહાર નિયામક કેવિન કાર્ટરાઇટે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે એજન્સીઓને સવારે 1:30 વાગ્યાની આસપાસ 911 પર ઘણા કોલ આવ્યા હતા કે બાલ્ટીમોર કી બ્રિજ સાથે એક જહાજ અથડાયું છે. જેના કારણે બ્રિજ તૂટી પડ્યો હતો. તે સમયે પુલ પર ઘણા વાહનો હતા, જેમાં એક ટ્રેક્ટર-ટ્રેલરના કદનો પણ સમાવેશ થાય છે. હાલ અમે નદીમાં લોકોની શોધખોળ કરી રહ્યા છીએ.
બાલ્ટીમોરના મેયર બ્રાન્ડન સ્કોટે પણ પુલ ધરાશાયી થયાની કબૂલાત કરી હતી અને ખાતરી આપી હતી કે કટોકટી સેવાઓ ઘટના સ્થળે છે. ફ્રાન્સિસ સ્કોટ કી બ્રીજ વોશિંગ્ટન મેટ્રોપોલિટન રિજનમાં એક મહત્વપૂર્ણ પરિવહન માર્ગ છે. તે વોશિંગ્ટન ડી.સી.માં જ્યોર્જટાઉનને વર્જિનિયાના આર્લિંગ્ટનમાં રોઝલિન સાથે જોડે છે.
આ પણ વાંચો – રશિયા ના મોસ્કો માં આતંકવાદી હુમલો : મોતનો આંક 143 પહોંચ્યો
ટક્કર બાદ જહાજ પણ ડૂબી ગયું
આ પુલ ફ્રાન્સિસ સ્કોટને સમર્પિત છે, જેમણે અમેરિકાનું રાષ્ટ્રગીત લખ્યું હતું. કાર્ગો શિપની લંબાઈ 948 ફૂટ બતાવવામાં આવી રહી છે. ટક્કર બાદ જહાજ પણ ડૂબી ગયું હતું. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં જોઇ શકાય છે કે જહાજ પુલ સાથે અથડાઇ રહ્યું છે. ટક્કર બાદ જહાજમાં આગ લાગી જાય છે અને ‘ફ્રાન્સિસ સ્કોટ્સ બ્રિજ’નો એક ભાગ નદીમાં સમાઈ જાય છે.
આ પુલની લંબાઈ 3 કિમી (1.6 માઈલ) જણાવવામાં આવી રહી છે. આ જહાજ શ્રીલંકા તરફ જઈ રહ્યું હતું. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે અકસ્માત સમયે પુલ પર કેટલા લોકો અને વાહનો હાજર હતા. રોયટર્સ અનુસાર ગ્રેસ ઓશન પ્રાઇવેટ લિમિટેડે કહ્યું છે કે જહાજમાં સવાર તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે અને કોઇને ઇજા પહોંચી નથી. પેટાપસ્કો નદી પરનો આ પુલ 1977માં બનાવવામાં આવ્યો હતો.





