Gujarat Weather Updates, IMD Red Alert: ગુજરાતમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે અનેક લોકો વરસાદના કારણે મોતને ભેટ્યાં છે. બુધવાર રાતથી કચ્છ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે. જેના પગલે અનેર રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા અંતરિયાળ ગામો સંપર્ક વિહોણા થયા છે. એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી ગયું છે. વરસાદના કારણે 35 લોકોના મોત નીપજ્યા છે. જામનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું.
રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 109 ટકાથી વધુ
આજે તારીખ 29મી ઓગસ્ટ, 2024ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 109 ટકા નોંધાયો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 154 ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 123 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 110 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 104 ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 86 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
PM મોદીએ CM સાથે ટેલિફોનિક વાત કરી પૂરની સ્થિતિ અંગે માહિતી મેળવી
સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આવી પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓના અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાઓ સહિતની બાબતોની જાણકારી તેમણે મેળવી હતી.
દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં 39 લોકોને કરાયા એરલિફ્ટ
દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં છેલ્લા બે દિવસમાં RHQ ઉત્તર પશ્ચિમ ગાંધીનગર અને જિલ્લા મથક 1 પોરબંદરની સૂચનાથી છત અને પાણીમાં ફસાયેલા 10 બાળકો સહિત કુલ 39 લોકોને એરલિફ્ટ દ્વારા એરલિફ્ટ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.
જામનગર જિલ્લાના 71 ગામો પૂરગ્રસ્ત
મળતી માહિતી પ્રમાણે છેલ્લા ચાર દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે ગુજરાતના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત બુધવારે રાતથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે જામનગરની સ્થિતિ ખરાબ થઈ છે. જામનગર જિલ્લાના 71 ગામો પૂર ગ્રસ્ત થયા છે. રસ્તાઓ ધોવાયા છે અને પાણી ફરી વળતા સંપર્ક વિહોણા થયા છે. વીજળી ગુલ થઈ ગઈ છે.






