Gujarat Rain Updates, Red Alert : દેશના ઘણા ભાગોમાં ચોમાસાએ પોતાની અસર દેખાડી છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે.હજારો લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા છે અને હજી પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે. એનડીઆરએફ, સ્થાનિક તંત્ર સહિત સેનાની પણ મદદ લેવાઈ રહી છે. આખા રાજ્યમાં વરસાદને કારણે 28 લોકોના મોત થયાની માહિતી મળી છે.
વડોદરા જિલ્લામાં રેસ્ક્યુ કામગીરી માટે આર્મીની વધુ 3 કોલમ તથા NDRF- SDRFની વધુ 1-1 ટીમ ફાળવાઇ
રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિ સામે લડવા તંત્ર સજ્જ છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતત રાહત બચાવ કામગીરી કરી રહી છે. વડોદરા જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદમાં અનેક જગ્યાઓ પર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સતત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે આર્મીની વધુ ત્રણ કોલમ, એન. ડી. આર. એફ.ની એક તથા એસ. ડી. આર. એફ.ની એક ટીમ રેસ્ક્યું માટે ફાળવવામાં આવી છે. આ ટીમ ઉપરાંત વડોદરામાં અગાઉ આર્મીની ચાર કોલમ, એન. ડી. આર. એફ. ની ચાર તથા એસ. ડી. આર. એફ.ની પાંચ ટીમ ડિપ્લોય કરવામાં આવી છે એમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવાયું છે.
ગુજરાત રાજ્ય ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય, કચ્છ સૌરાષ્ટ્ર માથે મડરાતી વરસાદી આફત
ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત રાજ્ય ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય છે. જેમાંથી એક ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયેલ બંગાળની ખાડીનું પ્રેશર તથા દક્ષિણ ગુજરાત ઉપર ઓફ શોર ટ્રફ અને ઉત્તર ગુજરાત ઉપર એક મોન્સુન ટ્રફ પસાર થઈ રહ્યો છે, જે ડીપ ડિપ્રેશન સાથે સંકળાયેલો છે. જેના પગલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હજી પણ વરસાદી આફત મંડરાઈ રહી છે.
આજે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે, આગામી 48 કલાક બાદ તેનું જોર ઘટી શકે છે. હજુ પણ વરસાદનું જોર રહેતા આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, આ ઉપરાંત ત્રણ દિવસ દરમિયાન ભારે ગાજવીજ સાથે રાજ્યભરમાં વરસાદ વરસી શકે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘાની ધબધબાટી
આજે સવારથી જ મેઘરાજા સૌરાષ્ટ્ર વિસ્તારમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને દેવભૂમી દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 28 ઓગસ્ટ 2024, બુધવારે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં સૌથી 188 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં 5 ઇંચ, ખંભાળિયામાં 3 ઇંચ, ભાણવડમાં 3 ઇંચ, કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં ભારે વરસાદના પગલે કૂલ 28,495 લોકોનું કરાયું સ્થળાંતર
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં પડેલા ભારે વરસાદના પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કૂલ 28,495 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધારે નવસારીમાં 9500 લોકો, સુરતમાં 3859 લોકો, વડોદરા 3249 લોકો, પોરબંદરમાં 1567 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં સિઝનનો 105.83 ટકા વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આ સિઝનમાં 105.83 ટકા વરસાદ નોંધાયો હતો. વરસાદની માત્રાની વાત કરીએ તો 934.49 એમએમ વરસાદ નોંધાયો હતો. ઝોન પ્રમાણે વાત કરીએ તો કચ્છમાં 126.62 ટકા, ઉત્તર ગુજરાતમાં 84.72 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 102.65 ટકા, સૌરાષ્ટ્રમાં 116.32 ટકા, દક્ષિણ ગુજરાતમાં 109.20 ટકા વરસાદ નોંધાયો હતો.
ગુજરાતના 118 ડેમ હાઈ એલર્ટ પર
મળતી માહિતી પ્રમાણે ભારે વરાસદના પગલે ગુજરાતના 118 ડેમ હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. 18 ડેમ એલર્ટ અને 7 ડેમ વોર્નિંગ પર છે. જો ડેમની પાણીની સ્થિતિની વાત કરીએ તો 102 ડેમ 100 ટકા ભરાયા છે. 41 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાયા છે. તો 22 ડેમ 50થી 70 ટકા વચ્ચે ભરાયા છે. 23 ડેમ 25 ટકાથી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. જ્યારે 18 ડેમ 25 ટકાથી નીચે ભરાયેલા છે.
46 ડેમ 70થી 100% જેટલાં ભરાઈ જતાં હાઈએલર્ટ જાહેર
રાજ્યમાં વરસાદની મહેરના કારણે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી નોંધપાત્ર પાણીની આવક થઈ છે. ડીપ ડિપ્રેશનના કારણે વરસી રહેલા સાર્વત્રિક વરસાદના ભાગરૂપે 76 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે ૪૬ જળાશયો 70 થી 100 ટકા ભરાતાં હાઈ એલર્ટ જાહેર જાહેર કરવામાં આવ્યું છે.
વડોદરાઃ આજવા ડેમના દરવાજા 213.65 ફૂટ પર બંધ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના અધ્યક્ષ ડૉ. શિતલ મિસ્ત્રીએ આ અખબારને જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે 10 વાગ્યાથી આજવા દરવાજા 213.65 ફૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. “જો કે, નદીના કિનારે અન્ય જળાશયો તેમજ વિશ્વામિત્રીમાં પ્રવેશતા અન્ય પાણી પણ છે જે તેના સ્તરમાં વધારો કરી શકે છે. અજવા વાલ્વ આપોઆપ 213.85 ફૂટ પર સેટ થઈ જાય છે જે પછી તે આપમેળે શરૂ થશે.





