Jammu Kashmir-Haryana Election Result 2024 : હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે (8 ઓક્ટોબર) જાહેર થશે. સવારે 8 કલાકેથી મત ગણતરી શરુ થશે. જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે 1 ઓક્ટોબરે છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. આ પહેલા પ્રથમ તબક્કો 18 સપ્ટેમ્બરે અને બીજો તબક્કો 25 સપ્ટેમ્બરે યોજાયો હતો. બીજી તરફ 5 ઓક્ટોબરે હરિયાણાની તમામ 90 સીટો પર વોટિંગ થયું હતું.
જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ અહીં પહેલીવાર ચૂંટણી યોજાઇ હતી. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. બીજી તરફ હરિયાણામાં કોંગ્રેસે સીપીએમ સાથે ગઠબંધન કરીને 90 સીટો પર ચૂંટણી લડી હતી, સીપીએમને એક સીટ આપી હતી. ભાજપે 89 બેઠકો પર ચૂંટણી લડી છે. આ સિવાય અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ તમામ 90 સીટો પર ચૂંટણી લડી છે.
જમ્મુ કાશ્મીર એક્ઝિટ પોલના પરિણામો શું કહે છે?
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે 6 ઓક્ટોબરે એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. એક્ઝિટ પોલમાં જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન આગળ હોવાનો અંદાજ છે. જોકે કોઇને સ્પષ્ટ બહુમતી મળી રહ્યું હોય તેવું લાગતું નથી.
આ પણ વાંચો – હરિયાણા વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ, ભાજપ હેટ્રિક કરશે કે કોંગ્રસ સરકાર બનાવશે? જાણો
હરિયાણા એક્ઝિટ પોલના પરિણામો શું કહે છે?
બીજી તરફ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવતી જોવા મળી રહી છે. બધા જ એક્ઝિટ પોલમાં કોંગ્રેસ આગળ છે અને સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 50-58 મળી રહી છે. હરિયાણામાં છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર છે.





