હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 : કેબિનેટ મંત્રી રણજીત સિંહ ચૌટાલાએ આપ્યું રાજીનામું, ભાજપની પ્રથમ યાદીથી ભૂકંપ

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 ભાજપ ઉમેદવાર યાદીમાં નામ કપાતાં કેબિનેટ મંત્રી રણજીત સિંહ નારાજ થયા છે. મંત્રી પદેથી રાજીનામું આપી બળાપો વ્યક્ત કરતાં કહ્યું કે, હું કોઇ પણ ભોગે રાનિયા બેઠકથી જ ચૂંટણી લડીશ.

Written by Haresh Suthar
Updated : September 05, 2024 17:59 IST
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 : કેબિનેટ મંત્રી રણજીત સિંહ ચૌટાલાએ આપ્યું રાજીનામું, ભાજપની પ્રથમ યાદીથી ભૂકંપ
Ranjit Singh Chautala : હરિયાણા કેબિનેટ મંત્રી રણજીત સિંહ ચૌટાલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફાઇલ ફોટો

Haryana Assembly Election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારો જાહેર કરાતાં ભાજપ નેતાઓમાં નારાજગીનો સૂર બહાર આવી રહ્યો છે. કેબિનેટ મંત્રી રણજીત સિંહ ચૌટાલાને ટિકિટ ન મળતાં તેમણે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. ચૌટાલા રાનિયા બેઠક પરથી પાર્ટીએ ટિકિટ ન આપતાં તે નારાજ છે.

રાજીનામું આપ્યા બાદ રણજીત સિંહ ચૌટાલાએ કહ્યું કે, હું રાનિયા મત વિસ્તારથી જ ચૂંટણી લડીશ. તેમણે કહ્યું કે, ભાજપે મને ડબવાલી બેઠક પરથી ટિકિટ આપવાની ઓફર કરી હતી પરંતુ તે નકારી દીધી છે. હું રાનિયા બેઠકથી જ ચૂંટણી લડીશ.

આ પણ વાંચો : વિનેશ ફોગાટ લડશે ચૂંટણી?

તેમણે કહ્યું કે, ભલે કોઇ બીજી પાર્ટીથી લડુ કે અપક્ષ ઉમેદવાર તરીકે લડું, પરંતું ચૂંટણી લડીશ જરુર. અહીં નોંધનિય છે કે, બુધવારે ટિકિટ વહેંચણીને લઇને ભાજપના પાંચ મોટા નેતાઓ રાજીનામા આપી ચૂક્યા છે.

કોણ છે રણજીત સિંહ ચૌટાલા

રણજીત સિંહ ચૌટાલા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાના ભાઇ અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન ચૌધરી દેવીલાલના પુત્ર છે. રણજીત સિંહ પહેલી વાર 1987 માં રોડી બેઠક પરથી લોકદળની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. રણજીત સિંહ 2019 માં રાનિયા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી જીત્યા હતા અને બાદમાં ભાજપ સરકારને સમર્થન આપી મંત્રી બન્યા હતા. જોકે ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે રણજીત સિંહ ચૌટાલાને હિસાર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ કોંગ્રેસ ઉમેદવાર જયપ્રકાશ ઉર્ફે જેપી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

હરિયાણા ભાજપમાં ભૂકંપ

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે બુધવારે 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પરંતુ ભાજપની જાહેર થયેલી પ્રથમ યાદીમાં વર્તમાન 9 ધારાસભ્યોને રિપીટ કરાયા નથી અને એમની ટિકિટ કપાઇ છે. જેને પગલે હરિયાણા ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે. ટિકિટ વહેંચણી બાદ ભાજપના પાંચ મોટા નેતાઓ રાજીનામા આપી ચૂક્યા છે.

રતિયા બેઠકથી ભાજપ ધારાસભ્ય લક્ષ્મણ નાપાએ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. લક્ષ્મણ રતિયાને ટિકિટ ન મળતાં તેઓ નારાજ થયા છે. આ બેઠક પરથી ભાજપે પૂર્વ સાંસદ સુનિતા દુગ્ગલને ટિકિટ આપી છે.

હિસાર જિલ્લાના ભાજપ સચિવ મહામંડલેશ્વર દર્શન ગિરી મહારાજે પણ પોતાના હોદ્દા પરથી અને પક્ષના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. જોકે તેઓએ વ્યક્તિગત કારણોસર આ રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.

આ ઉપરાંત હરિયાણા ભાજપ ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી કર્ણદેવ કંબોજે પણ તમામ પદેથી રાજીનામું આપ્યું છે. કર્ણદેવ કંબોજ ઇન્દ્રી વિધાનસભા બેઠક પરથી પોતાની ટિકિટ કપાતાં નારાજ છે.

અહીં નોંધનિય છે કે, ભાજપની પ્રથમ યાદીમાં 67 ઉમેદવાર જાહેર કરાયા છે. ભાજપે વર્તમાન 9 ધારાસભ્યોની ટિકિટ કાપી છે. આ યાદીમાં આઠ મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે 17 ધારાસભ્યો અને 8 મંત્રીઓને ટિકિટ આપી ફરીથી રિપીટ કર્યા છે. જ્યારે બે મંત્રીઓની ટિકિટ કાપી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ