Haryana Assembly Elections BJP Candidate List: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષો ઉમેદવારોની નામ જાહેર કરી રહ્યા છે. કોંગ્રેસ અને વિવિધ પ્રાદેશિક પક્ષો પર વંશવાદનું રાજકારણ કરવાનો આરોપ લગાવનાર ભાજપ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં ઘણા ચહેરા અલગ-અલગ રાજકીય પરિવાર સાથે જોડાયેલા છે. બુધવારે જાહેર થયેલી યાદી મુજબ ભાજપે ઓછામાં ઓછા આઠ વંશને ટિકિટ આપી છે. આમાંથી મોટાભાગનાના મૂળ કોંગ્રેસ સાથે જોડાયેલા છે.
કોંગ્રેસના પૂર્વ નેતાની પત્નીને પણ મળી ટિકિટ
કોંગ્રેસના પૂર્વ નેતા વિનોદ શર્માની પત્ની અને રાજ્યસભાના સાંસદ કાર્તિકેય શર્માની માતા શક્તિ રાની શર્માને કાલકા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેવી જ રીતે સમાલખા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય કરતારસિંહ ભડાનાના પુત્ર મનમોહન ભડાનાને મેદાનમાં ટિકિટ આપવામાં આવી છે. પીઢ ભડાનાએ 1999માં રાજ્યમાં ઇન્ડિયન નેશનલ લોકદળ (આઇએનએલડી) સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જ્યારે હરિયાણા વિકાસ પાર્ટીના તેમના ધારાસભ્યોના જૂથે દેવીલાલના પુત્ર ઓમ પ્રકાશ ચૌટાલાને ટેકો આપ્યો હતો, જેઓ આગળ જતા મુખ્યમંત્રી બન્યા હતા.
વર્ષ 2012માં કરતાર સિંહ રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)ની ટિકિટ પર ખતૌલીથી ઉત્તર પ્રદેશ વિધાનસભાની પેટાચૂંટણી જીત્યા હતા. તાજેતરમાં જ તેઓ ભાજપમાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીત સિંહની પુત્રી આરતી રાવને અટેલીથી ભાજપની ટિકિટ મળી છે. વરિષ્ઠ નેતા રાવ ઇન્દ્રજીત સિંહ પણ એક દાયકા પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. આ યાદીમાં અન્ય એક નેતાનું નામ છે પીઢ રાજકારણી કિરણ ચૌધરીની પુત્રી શ્રુતિ ચૌધરી, જેઓ જૂન 2024 માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપે શ્રુતિ ચૌધરીને તોશામ બેઠક પર ટિકિટ આપી છે. આવી જ રીતે કુલદીપ બિશ્નોઈના પુત્ર ભવ્ય બિશ્નોઈને આદમપુરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
હરિયાણાના પૂર્વ સીએમ ભજનલાલના પુત્ર કુલદીપ બિશ્નોઇએ 2007માં કોંગ્રેસમાંથી બહાર થયા બાદ હરિયાણા જનહિત પાર્ટીની સ્થાપના કરી હતી. બાદમાં તેમણે 2011 થી 2014 ની વચ્ચે ભાજપ સાથે જોડાણ કર્યું હતું અને ત્યારબાદ 2016 માં તેમની પાર્ટીને કોંગ્રેસમાં ભેળવી દીધી હતી. 2022માં તેઓ ભાજપમાં જોડાયા હતા. આઈએનએલડીના પૂર્વ ધારાસભ્ય હરિચંદ મિડ્ઢાના પુત્ર ક્રિશન મિડ્ઢાને જીંદથી ફરી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેમણે 2019માં જીંદથી પણ જીત મેળવી હતી, જ્યારે ભાજપે આ સીટ પર પહેલી વાર જીત મેળવી હતી.
સુનીલ સાંગવાન, જે પૂર્વ જેલર છે અને જેમના કાર્યકાળમાં ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમ સિંહને ઘણી વખત પેરોલ મળ્યા હતા, તેમને હરિયાણા ની ચરખી દાદરી બેઠક પર ભાજપે વિધાનસભા ટિકિટ આપી છે. તેઓ પૂર્વ સાંસદ સતપાલ સાંગવાનના પુત્ર છે, જેમણે ગયા શુક્રવારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવનાર અન્ય એક રાજકીય પરિવાર સાથે જોડાયેલા રાવ નરબીર સિંહ છે, જેમને બાદશાહપુર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. તેઓ હરિયાણાના પૂર્વ પ્રધાન રાવ મહાવીરસિંહ યાદવના પુત્ર અને પંજાબના દિવંગત એમએલસી મોહરસિંહ યાદવના પૌત્ર છે.





