Himachal Pradesh Heavy Rain, હિમાચલ ત્રાસદી : હિમાચલ પ્રદેશના મલાનામાં વાદળ ફાટવાને કારણે પાંચ લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો હજુ પણ લાપતા છે. ભારે પૂરના કારણે વીજળી સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે. ગામડાઓને જોડતા રસ્તાઓ ખતમ થઈ ગયા છે. બચાવ કામગીરી ચાલી રહી છે પરંતુ સ્થિતિ વણસી રહી છે. કુલ્લુ જિલ્લામાં મલાના પ્રોજેક્ટનો એક બંધ તૂટી ગયો છે. કુલ્લુના ડેપ્યુટી કમિશનર (ડીસી) તોરુલ એસ રવીશે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને ઓપરેશન ચાલુ છે.
હિમાચલ સરકારે ચોમાસા પહેલા કહ્યું હતું કે ગત વર્ષની તબાહી બાદ આફતોનો સામનો કરવા માટે મોટાભાગની તૈયારીઓ કરી લેવામાં આવી છે, પરંતુ રાજ્યના અલગ-અલગ ડેમ પર સુરક્ષાના પગલાં સંબંધિત કામ અધૂરું જણાય છે. નોંધનીય બાબત એ છે કે ડેમના પાણીથી ગામડાઓમાં સૌથી વધુ વિનાશ થાય છે.
લોકો ઇમારતોમાં ફસાયા
મલાણા-1 પ્રોજેક્ટની ભૂગર્ભ ઈમારતોમાં લોકો ફસાયા હોવાના અહેવાલ હતા. વહીવટીતંત્રે કહ્યું કે ફસાયેલા લોકો સુરક્ષિત છે અને NDRF અને હોમગાર્ડની ટીમ તેમને બચાવવાના પ્રયાસો કરી રહી છે. NDRFની ટીમે લાંબા બચાવ અભિયાન બાદ મલાનાથી નીચે જરી ગામમાં ફસાયેલા લગભગ 20 લોકોને બચાવ્યા છે.
રાજ્ય કટોકટી વિભાગ કેન્દ્રએ માહિતી આપી છે કે કુલ્લુના નિર્મંદ અને સાંજ વિસ્તારો સિવાય, મંડીના પધર અને શિમલા જિલ્લાના રામપુરમાં પણ વાદળ ફાટવાની ઘટનાઓ બની હતી. અહીં પણ અનેક મકાનો અને પુલ ધોવાઈ ગયા છે.
આ પણ વાંચોઃ- વરસાદી તબાહી : ક્યાંક વાદળ ફાટ્યા તો ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક રેકોર્ડ બ્રેક વરસાદ, ઉત્તરથી દક્ષિણ સુધી કુદરતનો કહેર
ગામના લોકો શું કહે છે?
સરપારા ગામના એક રહેવાસીએ જણાવ્યું કે બુધવારે રાત્રે વાદળ ફાટવાને કારણે આવેલા પૂર બાદ તેના પરિવારના લગભગ એક ડઝન સભ્યો ગુમ થઈ ગયા છે. તેણે કહ્યું, “મેઘ ફાટવાનો અવાજ સાંભળીને અમે લગભગ 1 વાગે જાગી ગયા. બધે ગભરાટ હતો કારણ કે શું થયું હતું તે સ્પષ્ટ નહોતું.
દરમિયાન, શિમલાના ડીસી અનુપમ કશ્યપે કહ્યું, “બચાવ કામગીરી પડકારજનક છે કારણ કે રસ્તાઓ ધોવાઈ ગયા છે.” સ્થળ પર હાજર શિમલાના ડીસી અને એસપીએ જણાવ્યું કે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ, પોલીસ અને હોમગાર્ડ્સની ટીમોએ બચાવ કાર્ય શરૂ કરી દીધું છે અને ગુમ થયેલા લોકોને શોધવા માટે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે .





