રાજસ્થાનના જયપુરમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. અહીં એક બેકાબૂ ડમ્પર ટ્રકે 10 વાહનોને ટક્કર મારી હતી. જેમાં લગભગ 13 જેટલા લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બેકાબૂ ડમ્પરે ઓછામાં ઓછા 50 લોકોને કચડી નાખ્યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે.
અહેવાલો અનુસાર, બેકાબૂ ડમ્પર એક કારને ટક્કર માર્યા બાદ આગળ અટકી ગયું હતું. હાલમાં આ અકસ્માતમાં ઘણા લોકો ફસાયા હોવાનું જાણવા મળે છે. આ ઘટના હરમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોહામંડી રોડ પર બની હતી. માહિતી મળતાં જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, અને મુખ્ય માર્ગ પરનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
બેકાબૂ ડમ્પરે કાર અને મોટરસાયકલ સહિત 10 વાહનોને ટક્કર મારી હતી. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને SMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘણા લોકોની હાલત ગંભીર છે.
ગઈકાલે જ જોધપુરમાં થયેલા અકસ્માતમાં 15 લોકોના મોત થયા
2 નવેમ્બરના રોજ રાજસ્થાનના જોધપુરમાં એક મોટો અકસ્માત થયો હતો. ફલોદી જિલ્લાના માતોડામાં એક ટેમ્પો ટ્રાવેલર રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક ટ્રેલર સાથે અથડાઈ ગયો, જેમાં 15 લોકો માર્યા ગયા અને બે ઘાયલ થયા. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને કલેક્ટર અને પોલીસ અધિક્ષક સહિત ઉચ્ચ અધિકારીઓને ફોન પર તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. જિલ્લા કલેક્ટર શ્વેતા ચૌહાણે જણાવ્યું હતું કે આ અકસ્માત ભારત માલા હાઇવે પર થયો હતો. તમામ મૃતદેહોને ઓસિયનની સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે, જ્યારે ઘાયલોને પણ સારવાર માટે જોધપુર રિફર કરવામાં આવ્યા છે.





