શ્રુતિ શ્રિવાસ્તવ | Wealth by community : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે છત્તીસગઢમાં એક રેલી દરમિયાન કહ્યું કે, કોંગ્રેસ કહે છે કે તે એસસી, એસટી અને ઓબીસીના ક્વોટામાં ઘટાડો કરીને ધર્મના આધારે 15 ટકા આરક્ષણ લાગુ કરશે. કોંગ્રેસ બંધારણમાં ફેરફાર કરવા માંગે છે અને SC, ST અને OBC ના અધિકારો છીનવીને તેમની વોટ બેંકને આપવા માંગે છે.
અગાઉ પણ રાજસ્થાનના બાંસવાડામાં એક રેલી દરમિયાન પીએમએ કહ્યું હતું કે, કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે, તે માતાઓ અને બહેનોના સોનાની ગણતરી કરશે અને પછી તેને મુસ્લિમોમાં વહેંચશે, મંગળસૂત્ર પણ છોડશે નહીં. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે, દેશમાં મુસ્લિમોની આર્થિક સ્થિતિ શું છે અને શું મુસ્લિમો હિંદુઓ કરતાં વધુ અમીર છે? ચાલો જોઈએ આંકડા શું કહે છે?
દેશમાં વિવિધ ધાર્મિક સંપ્રદાયો પાસે કેટલું સોનું છે?
દેશમાં વિવિધ ધાર્મિક સંપ્રદાયો પાસે કેટલું સોનું, નાણાં અથવા સંપત્તિ છે તેના પર કોઈ વિગતવાર અથવા ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી. ICSSR-માન્યતા પ્રાપ્ત સંશોધન સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ દલિત સ્ટડીઝ દ્વારા 2020 માં પ્રકાશિત ‘ભારતમાં સંપત્તિની માલિકીમાં આંતર-જૂથ અસમાનતા પરના અભ્યાસ અહેવાલ’માં કેટલાક સંબંધિત ડેટા ઉપલબ્ધ છે.
રિપોર્ટમાં નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO) અને ભારતની આર્થિક વસ્તી ગણતરી દ્વારા હાથ ધરવામાં આવેલા ઓલ ઈન્ડિયા ક્રેડિટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સર્વે (AIDIS)ના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને મુસ્લિમો પાસે સૌથી ઓછી સંપત્તિ છે.
ભારતમાં કયા જૂથ પાસે કેટલી સંપત્તિ છે?
અહેવાલ મુજબ, દેશની કુલ સંપત્તિના લગભગ 41% હિંદુ ઉચ્ચ જાતિઓ ધરાવે છે, ત્યારબાદ હિંદુ ઓબીસી (31%) છે. મુસ્લિમો, SC અને ST અનુક્રમે 8%, 7.3% અને 3.7% સંપત્તિ ધરાવે છે. અહેવાલમાં હિંદુ ઉચ્ચ જાતિઓની માલિકીની સંપત્તિનું કુલ મૂલ્ય રૂ. 1,46,394 બિલિયન હોવાનો અંદાજ છે, જે ST (રૂ. 13,268 અબજ)ની માલિકીની સંપત્તિ કરતાં લગભગ 11 ગણુ છે. મુસ્લિમોની અંદાજિત સંપત્તિ 28,707 અબજ રૂપિયા છે. તો, 2011 ની વસ્તી ગણતરી અનુસાર, ભારતમાં હિંદુઓની વસ્તી 79.80% છે અને મુસ્લિમોની વસ્તી 14.23% છે.
મુસ્લિમ ઉચ્ચ જાતિઓ પણ હિંદુ ઓબીસી કરતાં વધુ ગરીબ છે
હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેના સામાજિક જૂથોમાં સરેરાશ સંપત્તિ/MPCE ની સરખામણી સ્પષ્ટ થાય છે કે, બિન-SC/ST/OBC મુસ્લિમોની સરેરાશ સંપત્તિ માત્ર બિન-SC/ST/OBC હિંદુઓ કરતાં ઓછી છે, પણ હિંદુ ઓબીસીથી પણ ઓછી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે મુસ્લિમ ઉચ્ચ જાતિઓ પાસે વધુ સંપત્તિ હોવાના દાવા સાચા નથી.
સામાજિક જૂથો પાસે રહેલી કુલ સંપત્તિ (અરબ રૂપિયામાં)

પરિવારો પાસે કેટલી મિલકત છે?
દેશમાં ઘર દીઠ મિલકતનું સરેરાશ મૂલ્ય રૂ. 15.04 લાખ હતું પરંતુ, તે સામાજિક જૂથોમાં બદલાય છે. હિંદુ ઉચ્ચ જાતિઓ (રૂ. 27.73 લાખ) સાથે સરેરાશ ઘરની સંપત્તિ સૌથી વધુ હતી, ત્યારબાદ હિંદુ ઓબીસી (રૂ. 12.96 લાખ) હતી. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, મુસ્લિમ પરિવારોની સરેરાશ સંપત્તિ (રૂ. 9.95 લાખ) એસટી (રૂ. 6.13 લાખ) અને એસસી (રૂ. 6.12 લાખ) પરિવારો કરતાં વધુ છે.
ભારતમાં સામાજિક-ધાર્મિક જૂથોની માલિકીની ઘર દીઠ સંપત્તિ (રૂપિયામાં)

કઈ જાતિ પાસે સૌથી વધુ સોનું છે?
અભ્યાસ મુજબ, હિંદુ ઓબીસી પાસે સોનાનો સૌથી મોટો હિસ્સો (39.1%) છે, ત્યારબાદ હિંદુ ઉચ્ચ જાતિઓ (31.3%) છે. મુસ્લિમોનો હિસ્સો 9.2% છે, જે માત્ર ST (3.4%)થી વધી ગયો છે.
સામાજિક-ધાર્મિક જૂથો વચ્ચે સંપત્તિનો હિસ્સો (ટકામાં)

સુપ્રીમ કોર્ટમાં મિલકતના પુનઃવિતરણ પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો અભ્યાસ
બીજી તરફ પીએમ મોદીના નિવેદન બાદ થયેલા હોબાળા વચ્ચે મંગળવારે સુપ્રીમ કોર્ટની 9 જજોની બેંચે બંધારણની કલમ 39 (B) નું અર્થઘટન કરવાનું શરૂ કર્યું. આ નિર્ધારિત કરવા માટે કરવામાં આવ્યું હતું કે, શું સામાન્ય સારા માટે રાજ્યની નીતિની જોગવાઈનો આ નિર્દેશક સિદ્ધાંત સરકારને ખાનગી માલિકીની સંપત્તિનું પુનઃવિતરણ કરવાની મંજૂરી આપે છે.
વાસ્તવમાં, કલમ 39 (B) એ જોગવાઈ કરે છે કે, રાજ્ય તેની નીતિ આ આધારે ઘડશે કે, ભૌતિક સંસાધનોની માલિકી અને નિયંત્રણ સમુદાયો વચ્ચે એવી રીતે વિતરિત કરવામાં આવશે કે, જેથી કરીને જનતાનુ સામાન્ય હિત પુરૂ કરી શકાય. વરિષ્ઠ વકીલો દેવરાજ, ઝાલ અંધ્યારુજીના અને સમીર પરીખે દલીલ કરી હતી કે, સામુદાયિક સંસાધનોમાં ક્યારેય ખાનગી માલિકીની મિલકતોનો સમાવેશ કરી શકાતો નથી.
શું કહે છે સચ્ચર સમિતિનો રિપોર્ટ?
ભારતમાં મુસ્લિમ સમુદાયની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સ્થિતિનો અભ્યાસ કરવા માટે નિમાયેલી સચ્ચર સમિતિના અહેવાલમાં જણાવાયું છે કે, દેશમાં મુસ્લિમોની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સ્થિતિ અન્ય સમુદાયો કરતાં ઘણી ખરાબ છે. અહેવાલમાં જણાવાયું છે કે, દેશમાં મુસ્લિમ સમુદાય આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે અન્ય સમુદાયોની તુલનામાં ઘણો પાછળ છે, આ સમુદાયમાં શૈક્ષણિક તકોનો અભાવ છે, અને તેની વસ્તીના પ્રમાણમાં સરકારી અને ખાનગી ઉદ્યોગોમાં પણ ઓછું પ્રતિનિધિત્વ છે, જે તદ્દન નીચું છે.
PM મોદીના કયા નિવેદન પર છે હોબાળો?
રાજસ્થાનના બાંસવાડામાં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “પહેલાં જ્યારે તેમની સરકાર હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. મતલબ કે આ મિલકત કોને ભેગી કરીને વહેંચવામાં આવશે? જેમની પાસે વધુ બાળકો છે. તેમણે કહ્યું, “કોંગ્રેસ ઘૂસણખોરોને વહેંચશે. શું તમારી મહેનતની કમાણી ઘૂસણખોરોને આપાય? શું તમને આ મંજૂર છે?”.
વડા પ્રધાને વધુમાં કહ્યું, “આ શહેરી નક્સલીઓની વિચારસરણી છે. મારી માતાઓ અને બહેનો, આ લોકો તમારું મંગળસૂત્ર પણ નહી છોડે. આ હદ સુધી જશે.” તેમણે કહ્યું, “કોંગ્રેસનો આ ઢંઢેરો કહે છે કે, તેઓ માતાઓ અને બહેનોના સોનાની ગણતરી કરશે, તેની માહિતી મેળવશે અને પછી તે સંપત્તિનું વિતરણ કરશે, જેમના વિશે મનમોહન સિંહની સરકારે કહ્યું હતું કે, તેમની સંપત્તિ પર પહેલો અધિકાર હશે મુસ્લિમોનો.”